Home News શ્રીલંકામાં રાજપક્ષે “રાજ” પૂરું; રાજીનામું આપ્યા પછી “મિલિટરી એરક્રાફ્ટ”થી પહોંચ્યા માલદિવ્સ; સંસદમાં...

શ્રીલંકામાં રાજપક્ષે “રાજ” પૂરું; રાજીનામું આપ્યા પછી “મિલિટરી એરક્રાફ્ટ”થી પહોંચ્યા માલદિવ્સ; સંસદમાં આજે વચગાળાના પ્રેસિડન્ટની થશે જાહેરાત!

Face Of Nation 13-07-2022 : આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા દેશના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે. રાજપક્ષેના વિરોધના 139 દિવસ પછી તેમણે રાજીનામું આપ્યું છે. આજે સંસદમાં તેમના રાજીનામા અંગે જાહેરાત થઈ શકે છે અને આની સાથે જ વચગાળાના રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે છે. બીજી તરફ શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13મી જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી.
મંગળવારે પણ દેશ છોડવાના પ્રયત્નો કર્યા હતા
ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ 12મી જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સીલ લગાડવા માટે VIP સુવિધા આપવાની ના પાડી દીધી હતી. રાજપક્ષે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન અંગે બીજી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ અધિકારીઓ માન્યા નહીં.
ભાગ્યા અથવા ભગાડવામાં મદદ કરાઈ?
ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી. ત્યાર પછી આ શરત પ્રમાણે વ્યવસ્થા થતાં તે દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં સવાલ એ ઊઠે છે કે રાજપક્ષે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા છે? રાજપક્ષેએ 12 જુલાઈના દિવસે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધા હતા. આ લેટર 13 જુલાઈએ સંસદ સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનેને સોંપવામાં આવ્યો હતો.
રાજપક્ષેને અમેરિકાએ વિઝા ન આપ્યા
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા, પરંતુ અમેરિકાએ તેમને વિઝા આપ્યા નહોતા. રાજપક્ષે પાસે શ્રીલંકા અને અમેરિકાની નાગરિકતા હતી, પરંતુ 2019માં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં તેમણે અમેરિકાની નાગરિકતા છોડી દીધી હતી. તો બીજીતરફ શ્રીલંકાના સંવિધાન પ્રમાણે સિંગલ સિટિઝનશિપનો નિયમ છે, જેથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે માત્ર શ્રીલંકાના નાગરિક હોવું જરૂરી હતું.
રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ બંકર મળ્યું
10મી જુલાઈના દિવસે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ રૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવીને આ ગુપ્તચર માર્ગની મદદથી ભાગી ગયા હતા. આ બંકર રાષ્ટ્રપતિ ભવનના પહેલા માળે બનાવવામાં આવ્યું હતું. બંકરમાંથી બહાર નીકળતાં પહેલાં અહીં લાકડાની અલમારી ફિટ કરવામાં આવી છે. તેની રચના એવી છે કે તેને એકસાથે જાણવી કોઈપણ માટે મુશ્કેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).