Home Uncategorized ઉદ્ઘાટનો અને મુલાકાતોના નાટકો બંધ કરો અમિતભાઇ, લાશોના ઢગલે બેઠું ગુજરાત ત્યારે...

ઉદ્ઘાટનો અને મુલાકાતોના નાટકો બંધ કરો અમિતભાઇ, લાશોના ઢગલે બેઠું ગુજરાત ત્યારે હવે યાદ આવી ?

Face Of Nation, 24-04-2021 : હોસ્પિટલો અને ઓક્સિજન પ્લાન્ટોની મુલાકાત લઈને ફોટો પડાવીને લોકોની સહાનુભૂતિ મેળવી શકાતી નથી. જયારે ગુજરાત કોરોનાના કાળમાંથી પસાર થઇ રહ્યું હતું અને લોકોની લાશોને અગ્નિસઁસ્કાર માટે લાઈનોમાં રહેવાનો વારો આવ્યો ત્યારે મૂળ ગુજરાતના અને દેશના ગૃહમંત્રી એવા અમિત શાહ અને ભાજપના મંત્રીઓની આખી ફોજ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે રેલીઓ સંબોધવામાં વ્યસ્ત હતી. અમિત શાહ આજે જયારે ગુજરાતની પ્રજાને ઓક્સિજન, આઇસીયુ અને ઇમરજન્સીની જરૂર છે ત્યારે તમે ગુજરાતની મુલાકાતે આવીને વિવિધ સ્થળોની મુલાકાત લઈને ફોટાઓ પડાવીને શું સાબિત કરવા માંગો છો ? અરે ! તમે દયા દાને નથી કરતા કઈ પ્રજા માટે. હક્ક છે તમારો આ પ્રજાને પડતી તકલીફોમાંથી ઉગારવાનો કેમ કે આ જ પ્રજાએ તમને ખોબલે ને ખોબલે મતો આપ્યા છે અને આ જ પ્રજાને કારણે તમે આજે દિલ્હી સુધી પહોંચી શક્યા છો. આ વાત તમારે ભૂલી ન જવી જોઈએ. બંગાળની ચૂંટણી ગુજરાતની પ્રજાના જીવ કરતા વધારે ક્યારેય હતી જ નહીં કે હશે પણ નહીં તેમ છતાં તમે બંગાળમાં રેલીઓ અને ચૂંટણી સભા સંબોધતા રહ્યા અને બીજી બાજુ ગુજરાતમાં કોરોનાએ એવો કાળો કેર વર્તાવી દીધો કે, સ્મશાનોમાં પણ લાઈનો લાગી ગઈ.
જે જે લોકો પોતાના વ્હાલસોયાને કે પરિવારજનોને કે મિત્રોને ગુમાવી રહ્યા છે તેઓ જાણી ચુક્યા છે કે જીવની કિંમત શું છે અને કેમ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યની જનતાને માટે તત્કાલ એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન અને દવાઓની જરૂર છે ત્યારે આ તમામ બાબતોએ તમારી મુલાકાતો કરતા તૈયારીઓ પૂર્ણ થતાની સાથે જ ખુલ્લી મૂકી દેવી વધુ જરૂરી હોય છે. સોશિયલ સાઇટ્સ ઉપર મીડિયા કવરેજ માટે તમારું માહિતી ખાતું મેસેજો કરે છે કે, ફલાણા મંત્રી કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી આજે આ મુલાકાત લેશે, આ પ્લાન્ટનું નિરીક્ષણ કરવા જશે. અરે ! તમને લાગે છે કે આવી આપત્તિ વેળાએ તમારી મુલાકાતો મહત્વની બની રહેશે. સોશિયલ સાઈટો ઉપર તમે અને તમારા મંત્રીઓ ફોટાઓ મુકો છો કે, આજે આ સ્થળની મુલાકાત લીધી અને જાણકારી મેળવી. અમિતભાઇ ગુજરાતની પ્રજાને અત્યારે મદદની જરૂર છે તમે ક્યાં સ્થળની મુલાકાત લીધી કે તમે ક્યા સ્થળની મુલાકાત લેવા જશો તે જોવાની કે જાણવાની ઈચ્છા કે રસ નથી.
હજુ હમણાં જ જીએમડીસી ખાતે બનાવવામાં આવેલી હોસ્પિટલની તમે અને ગુજરાતના મુખ્યમંત્રીએ સાથે મળીને મુલાકાત લીધી અને આજે એ જ હોસ્પિટલની બહાર લોકો ઉમટી પડ્યા છે. મેસેજ એવો વહેતો થયો છે કે આ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ છે જો કે હજુ સુધી તે ખુલ્લી મુકાઈ નથી. એમ્બ્યુલન્સ પણ આ કામચલાઉ હોસ્પિટલની બહાર દર્દીઓને લઈને પહોંચી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. એમ્બ્યુલન્સ કે લેબોરેટરી તમારા બજેટમાંથી આપીને તમે પ્રજા ઉપર ઉપકાર નથી કરતા કે આ બધા ફોટાઓ તમે સોશિયલ સાઇટ્સ ઉપર મૂકીને વાહવાહી લેવાનું ચુકતા નથી. રાજા અને સેવાર્થી એવા હોવા જોઈએ કે જે પ્રજા માટે થતી કામગીરીને ક્યારેય ગણાવે નહીં પરંતુ ખરા અર્થમાં એવા પ્રયાસો કરે કે પ્રજાનો જીવ બચી જાય.
અમિતભાઇ તમે અમારા દુશમન નથી કે અમારે તમારી બેઇજ્જતી પણ કરવી નથી. આ લેખ થકી અમે આપની કોઈ નિંદા કરતા નથી પણ જે રીતે પ્રજાને આવી મુશ્કેલ ઘડીએ પણ તમે જે કરી રહ્યા છો એ કહેવાનું નથી ચુકતા એ યોગ્ય નથી એટલા માટે એક માણસાઈને ધ્યાને રાખીને પણ તમને આમ કહેવાની ફરજ પડી રહી છે. અમે અમારો પત્રકારત્વ ધર્મ નિભાવી રહ્યા છીએ. ગુજરાતની જનતા આફતમાં છે અને તમે મોડા મોડા પણ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તમારા પ્રચાર પ્રસાર કરતા પ્રજાનો જીવ મહત્વનો બને અને જરૂરિયાતો પુરી પાડવામાં આવે તે ઉપર જ ધ્યાન કેન્દ્રિત થાય તે અત્યંત જરૂરી છે. અમારો આ લેખ થકી ગુજરાતની પ્રજાને સરકાર, ભાજપ કે અમિતભાઈ આપની વિરુદ્ધ ભડકાવવાનો આશય નથી પરંતુ ગુજરાતની પ્રજા જયારે મદદ ઝંખતી હોય ત્યારે આવા નાટકોથી અમેય આંખ આડા કાન કરીને તમારી મુલાકાતો જ લખ્યા કરીશું તો કદાચ પ્રજા અને ઇતિહાસ બંને અમને માફ નહીં કરે. જનતા જયારે આક્રોશ ઠાલવે છે ને ત્યારે અમે શબ્દોમાં આપ સુધી પહોંચાડીએ છીએ અને એ જ અમારી કામગીરી છે.
વિજય રૂપાણીના નેતૃત્વમાં જો સરકારે કામગીરી અસરકારક કરી જ હોત તો આજે ગુજરાતે આ દિવસ ન જોયો હોત. વાંક તમારો એકલાનો નથી એ પ્રજાનો પણ છે કે જે સ્ટેડિયમના ઉદ્ઘાટન ટાણે ટોળે ટોળા બનીને ઉમટી પડી હતી. તમારા પક્ષની ગુજરાત સરકારે આંકડા છુપાવવાના શરૂ કર્યા હતા અને લોકોને એમ થયું હતું કે કોરોના તો ગયો હવે. પરિણામ આજે વિશ્વની સામે છે. ગુજરાતના લોકો જીવન બચાવવા વલખા મારી રહ્યા છે. જો પરિસ્થિતિ સારી જ હોય તો સ્મશાને લાઈનો અને ઓક્સિજનની અછત ન હોત એટલે એમ પણ ન માનશો કે મીડિયા લખે છે તેવી સ્થિતિ છે જ નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)