Face Of Nation 03-04-2022: રાજસ્થાનના કરૌલી શહેરમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શનિવારે હિંદુ સંગઠનો તરફથી યોજવામાં આવેલી બાઈક રેલી ઉપર ભારે પથ્થરમારો થયો છે. પથ્થરમારો કરી રહેલા લોકોએ અનેક દુકાનો તથા બે બાઈકને આગ લગાડી દીધી હતી. તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે 3 એપ્રિલના રાત્રે 12 વાગ્યા સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું- SPએ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાઈ અને માહોલ બગડે તેવી દહેશત વ્યક્ત કરી છે.
પથ્થરમારામાં 4 પોલીસ કર્મીઓ સહિત 42ને ઈજા
SP શૈલેન્દ્ર સિંહ ઈદૌલિયાએ જણાવ્યું હતું કે નવસંત્સર પ્રસંગે હિન્દુ સંગઠનો તરફથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને જેવા હટવાડા બજારમાં પહોંચી તો કેટલાક બદમાશોએ રેલી ઉપર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બે પક્ષ એકબીજાની સામે આવી ગયા હતા. પથ્થરમારામાં 4 પોલીસ કર્મચારીઓ સહિત 42 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી એક સ્થિતિ ગંભીર છે. 30 ઉદ્રવિયોની અટકાયત કરવામાં આવી છે.
શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો
પથ્થરમારાને લીધે બજારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને વ્યાપારીઓએ દુકાનો બંધ કરવી પડી હતી. દરમિયાન કેટલાક લોકોએ છથી વધારે દુકાનોને આગ લગાવી દીધી હતી. આગને લીધે તમામ દુકાનો સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે બન્ને પક્ષોને સમજાવી સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ફરી પથ્થરમારો શરૂ થયો હતો. તણાવભરી સ્થિતિને પગલે શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સ્થિતિ હજુ પણ ભારે તણાવપૂર્ણ છે. કલેક્ટર અને SP ઘટના સ્થળે છે.
તોફાની તત્વો સામે કાર્યવાહી કરવા આદેશઃ ગહેલોત
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે કરૌલીમાં જે ઘટના બની છે તેને લઈ DGP એમએન લાઠર સાથે વાત કરી માહિતી મેળવી છે. પોલીસને દરેક તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હું સામાન્ય પ્રજાજનોને અપીલ કરવા માગુ છું કે શાંતિ જાળવી રાખવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).