Face Of Nation 26-04-2022 : એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલની અંદર આવેલા બાળકોના એનઆઈસીયુ (NICU) અને PICU વિભાગમાં 15 દિવસથી એસી અને પંખાઓ બંધ હાલતમાં છે. જેને લઈને નવજાત બાળકો માટે પરિવારજનો ઘરેથી પંખા લાવવા મજબુર થયા છે. આ અંગે ફરિયાદ થઈ હોવા છતાં સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી દર્દીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.બીજી તરફ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે, ફરિયાદ મળતાં જ બે એસી મગાવાયા હતાં. જો કે એક એસી ખરાબ હોવાથી રિટર્ન થયું છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવશે.
નવજાત બાળક માટે ઘરેથી ટેબલ ફેન લાવ્યો
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે. આ ગરમીના કારણે લોકો શેકાય રહ્યા છે. ત્યારે હંમેશા વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલની અંદર બાળકો માટે પીઆઈસીયુ એટલે કે, નિયોનેટલ ઇન્ટેસીંવ કેર યુનિટ આવેલુ છે. અહી એસી બંધ હાલતમાં છે. જેને લઈને નવજાત બાળકો અને તેના વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શરૂઆતમાં હોસ્પિટલની ફાઈલથી દર્દીઓ પંખો નાખતા હતા. આ અંગે ફરિયાદો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નહોતું. જેથી ના છૂટકે વાલીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે. વાલીઓ પોતાના નવજાત બાળક માટે હવે ઘરેથી પંખો લાવી રહ્યા છે.
ફાઈલથી હવા નાખી અને વોર્ડમાં 1 જ પંખો
બાળ દર્દીના સંબંધી કૃપાબેને જણાવ્યું હતું કે, તેઓનો દીકરો સારવાર માટે વેન્ટિલેટર પર છે. અમે છેલ્લા 15 દિવસથી અહીં સારવાર મેળવી રહ્યા છીએ. પંદર દિવસથી અહી એસી બંધ હાલતમાં છે. એક પંખો છે. પરંતુ તેની હવા આખા વોર્ડમાં પહોચી શકે તેમ નથી. બાળકને હવા મળે તે માટે પહેલા તો અમે ફાઈલથી હવા નાખી હતી. પરંતુ ના છૂટકે અમે ઘરેથી પંખો લાવ્યા છીએ. અહીં અમારાથી રહેવાતું નથી તો બાળકો કેવી રીતે રહી શકે. આ ગરમીના કારણે અહીં બાળકોના જીવ સામે જોખમ પણ ઉભું થાય તેવી સ્થિત છે.
સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લોલીપોપ, કાલે થઈ જશે?!
ન્યુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું છે કે, 19મી એપ્રિલના રોજ ફરિયાદ મળતા તાત્કાલિક બે નવા એસીની વ્યવસ્થા કરવામાં આવી હતી.જો કે એક એસીમાં મેન્યુફેક્ચરિંગ સમસ્યા ઉદભવતા રિટર્ન કરવામાં આવ્યું હતું.જ્યારે અન્ય એક એસી ચાલું હાલતમાં છે.બંધ પંખા અંગેની જે સમસ્યા છે તે બાબત પણ ધ્યાને આવેલ છે. જેથી બે દિવસમાં આ સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).