Home Gujarat સુરત: ગ્રીષ્મા હત્યા કેસ મામલો; જાહેરમાં ગળું કાપી હત્યા કરનાર ફેનિલને કોર્ટે...

સુરત: ગ્રીષ્મા હત્યા કેસ મામલો; જાહેરમાં ગળું કાપી હત્યા કરનાર ફેનિલને કોર્ટે દોષિત કર્યો જાહેર, સૌકોઈની નજર ચુકાદા પર!

Face Of Nation 21-04-2022 : સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. ગત 12મી ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16મી એપ્રિલ જાહેર કરી હતી. જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21મી એપ્રિલ પર મુલતવી રાખી છે. જેથી આજે સંભવતઃ ચુકાદો જાહેર કરવામાં આવી શકે છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.
સમાજ યુવક પાસે આવી અપેક્ષા ન રાખે: સરકાર પક્ષ
સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતુ. વધુમાં કહ્યું કે, કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું કે, સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.
ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા
હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.
190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવાઈ
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો હવે આજે જાહેર કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).