Home News સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા, ત્રણેયનાં...

સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા, ત્રણેયનાં મોત

Face Of Nation:સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનથી વલસાડમાં હોટલમાં કામ કરવા માટે જતા સુરતમાં 6 યુવાનો પૈકી ત્રણ યુવકો કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18), પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18) નામના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે, ટ્રેનમાં રહેલા મુસાફરોએ માર્ગદર્શન આપ્યું હતું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. જેથી યુવાનો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રઘુકુળ માર્કેટ રેલવે ગરનાળા નજીક ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં એક કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફેટે આવેલા ત્રણેયને ઉંચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી બે યુવકો પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18)ને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રવિણ ધીરસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણ નારાયણસિંગનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો રેલવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.