Home News બોગસ બિલિંગ:સમગ્ર રાજયમાં 100 કરોડથી વધુનું કૌભાંડ આચરનારી છ પેઢીઓમાં સુરતની બે...

બોગસ બિલિંગ:સમગ્ર રાજયમાં 100 કરોડથી વધુનું કૌભાંડ આચરનારી છ પેઢીઓમાં સુરતની બે પેઢીઓ

282 પેઢીઓમાંથી 30 જેટલી પેઢીઓએ જ 2400 કરોડનું કૌભાંડ આચર્યું, રૂ. 374 કરોડની વેરાશાખ મેળવી લીધી

Face Of Nation:સુરતઃ છ હજાર કરોડના બોગસ બિલિંગ અને 900 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડની તપાસના પ્રથમ તબક્કામાં એવી 30 પેઢીઓની ઓળખ કરાઇ છે જેણે સર્વાધિક બોગસ બિલના આધારે વેરાશાખ મેળવી છે. સમગ્ર રાજયમાં 100 કરોડથી વધુનું કૌભાંડ આચરનારી છ પેઢીઓમાં બે પેઢી સુરતની છે. અમદાવાદની ફાલગુન ટ્રેડર્સે સમગ્ર રાજયમાં સર્વાધિક રૂપિયા 178 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરી રૂપિયા 26 કરોડની વેરાશાખ લીધી છે.

કયાં શહેરની કેટલી પેઢી અને કેટલું કૌભાંડ

જે 30 પેઢીઓ સિલેક્ટ કરાઇ છે તેમાં સૌથી વધુ અમદાવાદની નવ પેઢીઓ છે, જેમાં 783 કરોડનું બોગસ બિલિંગ કરાયું છે. ગાંધીધામની આઠ પેઢીઓએ રૂપિયા 504 કરોડનું બોગસ બિલિંગ કર્યું છે. સુરતની પાંચ પેઢીઓમાં 436 કરોડનો માત્ર કાગળ પર જ ધંધો કરાયો છે. આ પેઢીઓમાં ખોડલ કૃપા આર્ટ, સુપ્રીમ વેસ્ટ પેપર, હીના એન્ટરપ્રાઇઝ, વીહા ટ્રેડર્સ અને ગોલ્ડ સ્ટાર ટેક્સટાઇલ છે. આ પેઢીઓએ 51 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. વડોદરાની 2, ભાવનગર, વાપી અને ભરૂચની એક પેઢી પણ સંડોવાયેલી છે. આ તમામ 30 પેઢીઓએ રૂપિયા 2415 કરોડનું કૌભાંડ આચર્યું છે.