Home News સુરત:6 લાખ ચો. ફૂટ ગેરકાયદે બાંધકામો પર અગ્નિકાંડનો કહેર,ગેરકાયદેસર બાંઘકામો પાર તંત્રએ...

સુરત:6 લાખ ચો. ફૂટ ગેરકાયદે બાંધકામો પર અગ્નિકાંડનો કહેર,ગેરકાયદેસર બાંઘકામો પાર તંત્રએ બોલાવી તવાઈ

તક્ષશિલા મુદ્દે સાંસદ પાટીલે પાલિકાને આડે હાથ લીધી
જવાબદાર અધિકારીઓને બચાવાઇ રહ્યાનો પણ આરોપ
અસલ દસ્તાવેજો બળી ગયાનું જૂઠાણું ચલાવાય છે

Face Of Nation:સુરતઃ શનિવારે પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં સમગ્ર દેશને હચમચાવી નાખનાર સરથાણા આગ દુર્ઘટનાના મુદ્દાને તંત્ર દ્વારા લોકમાનસમાંથી ડાયવર્ટ કરવાના પ્રયાસ થયો એ મુદ્દો ગાજ્યો હતો. સાંસદ સી.આર.પાટીલે પાલિકાને આડે હાથ લઇ કહ્યું હતું કે, તક્ષશિલાની ઘટનામાં 22 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જીવતા ભૂંજાઈ ગયાં એ માટે જવાબદાર કોણ? પોલીસે અધિકારીઓની ધરપકડ કરાઈ, પરંતુ પાલિકાએ પોતાની રીતે કોઈ જવાબદારી નક્કી કરી નથી. આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે શહેરમાં 6 લાખ ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ તોડી નાંખવામાં આવ્યાં છે. આ તમામ તોડાયેલા ગેરકાયદે બાંધકામો જે-તે અધિકારીઓના સમયે બંધાયાં તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

સાંસદે આપ્યો ઠપકો
સાંસદે જણાવ્યું હતું કે અત્યાર સુધી પાલિકાએ મૃતકોના પરિવારને સાંત્વના આપી નથી તેને બદલે અધિકારીઓને બચાવવા નીકળી પડ્યા છે. ગેરકાયદે બાંધકામમાં પહેલી નોટિસ આમંત્રણકાર્ડ જેવી હોય છે કે તમે આવીને મળી જાઓ. નોટિસ બાદ પણ બાંધકામો થવાં દીધાં હોય તો તે અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે તેના ધ્યાન પર હોવા છતાં બાંધકામ થવા દીધું.

ક્રાઇમ બ્રાંચે માગ્યા 10 દિવસના રિમાન્ડ
સરથાણા નજીકના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ અકાળે કાળનો કોળિયો બની ગયા તે ઘટનામાં ગેરકાયદે બાંધકામ કર્યું તેના માલિકી બાબતના અસલ દસ્તાવેજો કબજે કરવાના હોવા સહિતની ઢગલાબંધ દલીલો સાથે સવજી પાઘડાળનાં 10 દિવસનાં રિમાન્ડની માગણી ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. જેની સામે જજે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

સવજીએ છૂપાવી હકીકત
પોલીસે જે દલીલો કરી છે તેમાં એક દલીલ એ છે કે તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે બનાવેલા ગેરકાયદે સ્ટ્રક્ચરવાળા ડોમમાં મિલકતની માલિકી બાબતમાં અસલ દસ્તાવેજો બળી ગયા હોવાની ખોટી હકીકત જણાવી સવજી પાઘડાળ અસલ દસ્તાવેજ સંબંધે હકીકત છૂપાવી રહ્યો છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ કર્યું તેમાં જેટલી પણ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી છે તે તમામ પ્રક્રિયા સંદર્ભે સવજી પાઘડાળને જાણકારી છે. જેથી અન્ય કોની કોની સંડોવણી છે? એ નક્કી કરવા માટે પણ સવજી પાઘડાળની પોલીસ કસ્ટડી જરૂરી છે.

સોમવારે 7ની જામીન અરજી પર હુકમ
તક્ષશિલા કાંડમાં સંડોવાયેલાં સાત આરોપીઓની જામીન અરજી પર આજે શનિવારના રોજ મુદત હતી. જો કે, આજે હુકમ આવ્યો નહતો અને કોર્ટ દ્વારા આગામી સોમવારની મુદત પાડી હતી. હવે સંભવત: સોમવારના રોજ તેની પર હુકમ આવી શકે છે.