પ્રવાસન મંત્રીએ સ્વીકાર્યુ કે, સૂર્યમંદિરના વિકાસના કામ માટે છેલ્લા બે વર્ષમાં 4.25 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે, પરંતુ કોઈ ખર્ચ કરાયો નથી
Face Of Nation:મહેસાણા: હેરિટેજની દ્રષ્ટીએ વિશ્વભરમાં જાણિતા મોઢેરા સૂર્યમંદિરના વિકાસના દાવાનો ફુગ્ગો વિધાનસભાએ ફોડી નાખ્યો છે. સોમવારે ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ સ્વીકાર્યુ કે, સૂર્યમંદિરના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં રૂ.4.25 કરોડ ફાળવાયાં છે, પરંતુ એકપણ પૈસાનો ખર્ચ કરાયો નથી.
પ્રાથમિક સુવિધાના કોઇ જ ઠેકાણા નથી
ગુજરાતની 990 વર્ષ પ્રાચીન ધરોહર નિહાળવા દર વર્ષે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ આવે છે, પરંતુ તેમને રહેવા-જમવા જેવી પ્રાથમિક સુવિધાના કોઇ જ ઠેકાણા નથી. વર્ષોથી અહીં વિકાસની વાતો જ થાય છે, પણ કોઇ નક્કર કામ હજુ થયાં નથી.
બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે સોમવારે મોઢેરા સૂર્યમંદિર અને બહુચરાજી મંદિરના કામો બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં આ બાબત સામે આવી ગઇ હતી.
છેલ્લા બે વર્ષમાં 4.25 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ
પ્રવાસન મંત્રીએ સ્વીકાર્યુ કે, સૂર્યમંદિરના વિકાસના કામ માટે છેલ્લા બે વર્ષમાં 4.25 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે, પરંતુ કોઈ ખર્ચ કરાયો નથી. જયારે બહુચરાજી મંદિરના વિકાસ માટે રૂ.299 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. જેમાં 2017માં રૂ.2.16 લાખ અને 2018માં રૂ.158.82 ખર્ચ કરાયો છે. ધારાસભ્યએ જણાવ્યું કે, આ ખર્ચમાં લોકોની આસ્થા સાથે સંકળાયેલા મંદિરના શિખરની ઊંચાઈ વધી નથી. જે બે વર્ષથી લટકાવી રખાયો છે.