Face of Nation 07-02-2022 : નવાવાડજ કૃષ્ણનગર ખાતે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળનું મંદિર આવેલું છે. અહીં બહેનો માટે અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. જે મંદિર ઘણા સમયથી તૈયાર થઇ ગયું હોવા છતાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી નથી. જેનું મુખ્ય કારણ એ જ છે કે, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે એવી જીદ પકડી હતી કે, આ મંદિર પોતાની માંગ પ્રમાણે લખીને આપે તો જ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કરવા આવશે અન્યથા તેઓ પ્રાણ પ્રતિષ્ઠા માટે આવશે નહીં. હરિભક્તો પણ તેમના આચાર્ય દ્વારા કરવામાં આવેલી આ માંગણીથી સ્તબ્ધ થઇ ગયા હતા. હકીકતમાં આચાર્યએ આવી માંગ કરીને ખુદ હરિભક્તોમાં જ તેમના પોતાના પ્રત્યે અણગમાના બીજ રોપી દીધા હતા. ત્યારબાદ હરિભક્તો અંદરો અંદર બે જૂથમાં વહેંચાઈ ગયા હતા અને સામસામે આવી ગયા હતા. એક જૂથ એમ માની રહ્યું હતું કે મંદિર આચાર્યને લખી આપવામાં ન આવે અને બીજું આચાર્ય તરફી જૂથ એવું માની રહ્યું હતું કે, આચાર્યને મંદિર લખી આપવામાં આવે. આ વિવાદ એટલી હદે ચાલ્યો કે સંપ્રદાયની ભારે બેઇજ્જતી થઇ જેનું મુખ્ય કારણ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદની જીદ હોવાનું ચર્ચા સ્થાને રહ્યું.
એવું કહેવામાં કોઈ બે મત નથી કે, આજના યુગમાં આશ્વર્યજનક ઘટનાઓ બની રહી છે. કાળા માથાનો માનવી ભગવાનને પ્રતિષ્ઠા માટે રાહ જોવડાઈ રહ્યો છે. જે દેશમાં ધર્મ અને આસ્થા મહત્વની છે તે દેશમાં આજે પણ ભગવાન કરતા વધુ કાળા માથાના માનવીને સ્થાન આપવામાં આવી રહ્યું છે તેવી ઘણી ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં બની છે. અહીં આવેલા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના મંદિરમાં ભગવાન પ્રતિષ્ઠા માટે રાહ જોઈ રહ્યા છે અને ભગવાનની પ્રતિષ્ઠા મંદિરની માલિકીને લઈને વિવાદમાં પડી છે. આ વિવાદ ખુદ સંપ્રદાયના આચાર્યની જીદને કારણે ઉભો થયો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી એવો નિયમ ચાલ્યો આવે છે કે, મંદિરની પ્રતિષ્ઠા ભગવાને નક્કી કરેલ તેમના ભાઈના વંશજ એટલે કે હાલના આચાર્ય દ્વારા કરવામાં આવે. સ્વામિનારાયણ ભગવાનના કોઈ વંશજ નહોતા પરંતુ તેમના ભાઈના વંશજોને ગાદીએ બેસાડી આચાર્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી અને તેમના વંશજ વર્ષોથી ચાલી આવતી આચાર્યની પરંપરાને યથાવત રાખી રહ્યા છે.
નવાવાડજના કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ દાન ધર્માદા થકી બહેનોના અલગ મંદિરનું નિર્માણ કર્યું. આ નિર્માણ કર્યા બાદ આચાર્યને જયારે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા અંગે સમય લેવા મળવા ગયા ત્યારે આચાર્યએ મંદિર અમને લખી આપો તો જ પ્રતિષ્ઠા કરવા આવું તેમ કહીને વિવાદના બીજ રોપી દીધા. આ સાથે જ આચાર્યની અણઆવડત કે અણસમજે હરિભક્તોમાં આચાર્ય વિરુદ્ધ અણગમાના બીજ પણ રોપી દીધા હતા. આચાર્યની આ માંગણી બાબતે હરિભક્તોએ મંદિરમાં સામુહિક મિટિંગ કરી અને આ મિટિંગમાં હાજર કેટલાક હરિભક્તોએ મંદિર લખી આપવા મામલે વિરોધ કર્યો અને ત્યારથી હરિભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા. હરિભક્તોમાં ચાલતી ચર્ચા મુજબ, આચાર્ય તરફી જૂથની કેટલીક મહિલાઓએ વિરોધમાં પડેલા લોકોના ઘરે જઈને જઈને તેમના ઘરમાં ઝઘડા કરાવવાના પ્રયાસો કર્યા જેને લઈને આ મામલે વિરોધમાં પડેલા લોકોમાંથી એક એક કરીને છુટા પડવા લાગ્યા અને જે થાય તે આપી દો મંદિર આચાર્યને તેમ કહીને શરણાગતિ સ્વિકારીને આચાર્યની જીદ પુરી કરવાનું મુનાસીબ માન્યું. જો કે આ સમગ્ર મામલે આચાર્ય એમ સમજી રહ્યા હોય કે આ તેમની જીદની જીત છે તો એ ખોટું સમજી રહ્યા છે. તેઓએ આ જીદ થકી ખુદ તેમના જ સંપ્રદાયના હરિભક્તોમાં પોતાના પ્રત્યે અણગમો ઉભો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, તેજેન્દ્રપ્રસાદજીના આચાર્ય કાળ દરમ્યાનનું ધાર્મિક વાતાવરણ અને કૌશલેન્દ્રપ્રસાદના આચાર્ય કાળ દરમ્યાનનું ધાર્મિક વાતાવરણ આસમાન જમીનના ફરક જેટલું છે. તેજેન્દ્રપ્રસાદજીના વિચારો અને કાર્યશૈલી ખરેખર પ્રસંશાને પાત્ર હતી કેમ કે તેઓ સંતોથી માંડીને હરિભક્તો સુધી તમામ લોકોનો ખુબ આદર કરતા હતા અને હંમેશા હરિભક્તો જેમ રાજી તેમ તેઓ રાજી તે વાતમાં વાત પૂરીને હંમેશા હરિભક્તોનો પ્રેમ જીતતા હતા. જયારે તેમના પુત્ર અને હાલના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદમાં તેમના વિચારો ઉતર્યા નથી તે વાત ખુશ સત્સંગીઓમાં પણ ચર્ચા સ્થાને છે.
ખેર ! આચાર્યની જીદ આગળ હરિભક્તોએ નમતું જોખી દીધું છે હવે મંદિરની પ્રતિષ્ઠા વહેલી તકે થાય તેવી ખુદ ભગવાન આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કાળા માથાનો માનવી આમ ભગવાનને જો મંદિર માલિકીના મામલે વિવાદ ઉભો કરીને પ્રતિસ્થા માટે પણ વલખા મરાવે તે કેટલું યોગ્ય છે ?
(નોંધ : ફેસ ઓફ નેશન કોઈ સંપ્રદાય પ્રત્યે વેરભાવ કે અણગમાથી કોઈ સમાચાર રજૂ કરતું નથી કે એવા કોઈ ઈરાદાઓ પણ નથી પરંતુ સંપ્રદાયની આડમાં ચાલી રહેલા વિવાદોને સમાચારના રૂપમાં સ્થાન આપે છે. ફેસ ઓફ નેશનને સ્વામિનારાયણ સંપ્રદાય કે આચાર્ય સાથે કોઈ લેવાદેવા નથી. ફેસ ઓફ નેશન મળેલી માહિતી અને હરિભક્તોની રજૂઆતોને લઈને સમાચાર રજૂ કરે છે.) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
વાંચો હવે પછીના અહેવાલમાં : લાલજીના લગ્ન મામલે સૌથી મોટા ચોંકાવનારા સમાચાર, તૂટી સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા
આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે