Home Uncategorized સુષમા સ્વરાજનું દેશને છેલ્લું ટ્વિટ:કલમ 370 અંગે વડાપ્રધાનને અભિનંદન આપી કર્યુ અલવિદા

સુષમા સ્વરાજનું દેશને છેલ્લું ટ્વિટ:કલમ 370 અંગે વડાપ્રધાનને અભિનંદન આપી કર્યુ અલવિદા

Face Of Nation:ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે પોણા 10 વાગે તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ ડૉક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. એઈમ્સમાં દાખલ થયા પહેલા આશરે ત્રણ કલાક પહેલા તેમણે કલમ 370 અંગે ટ્વિટ કરી હતી કે, પ્રધાનમંત્રીજી, તમને હાર્દિક અભિનંદન. હું જીવનમાં આ જ દિવસની રાહ જોતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતીન ગડકરી, હર્ષવર્ધન સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ મોડી રાત્રે એઈમ્સ પહોંચી ગયા હતા. આશરે એક વર્ષ પહેલા તેમણે એઈમ્સમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. ત્યાર પછી તેમણે આરોગ્યના કારણસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. આજે બપોરે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું. સુષ્મા સ્વરાજને ભાજપના નેતાઓ સહિત, વડાપ્રધાન, મંત્રીઓ, રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના નેતાઓ તથા વિવિધ દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે.ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના જણાવ્યા અનુસાર 67 વર્ષના સુષ્મા સ્વરાજને રાત્રે 9 વાગ્યે મુંજવણ અનુભવાઇ હતી અને એમ્બ્યુલન્સમાં 9:30 હોસ્પિટલ ખસેડાયા હતા. ડોક્ટર્સની ટીમ દ્વારા 70 થી 80 મિનિટ સુધી તેમને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે સુષ્મા સ્વરાજે રાત્રે 10: 50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, આજે બુધવારે સુષ્મા સ્વરાજના પાર્થવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યાર બાદ બપોરે 3 વાગ્યે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.