Home Uncategorized જો સાધુઓ ભગવાનની પ્રતિષ્ઠા કરવા આવે તો તેમના ધોતિયા ખેંચી લેવાની નવાવાડજની...

જો સાધુઓ ભગવાનની પ્રતિષ્ઠા કરવા આવે તો તેમના ધોતિયા ખેંચી લેવાની નવાવાડજની મહિલા હરિભક્તે આપી ચીમકી !

Face Of Nation, 01-11-2021 : અમદાવાદના નવાવાડજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બહેનોનું અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર છેલ્લા ઘણા સમયથી તૈયાર થઇ ગયું હોવા છતાં તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી નથી. આ બાબતે હાલ હરિભક્તોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદને જીદને કારણે હરિભક્તોમાં અંદરો અંદર વિવાદ શરુ થઇ ગયો છે. હરિભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે જેમાં એક જૂથ એમ કહી રહ્યું છે કે, મંદિર કાલુપુર સંસ્થાને લખી આપવામાં આવશે નહીં અને બીજું આચાર્ય તરફી જૂથ એમ કહી રહ્યું છે કે, મંદિર કાલુપુર સંસ્થાને લખી આપીને આચાર્યની માંગણી સાથે સહમત થઈ જવું જોઈએ. તેવામાં સ્વામિનારાયણ મંદિર નવાવાડજના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હરિભક્તો દ્વારા યોજાયેલી એક મિટિંગમાં એક મહિલા હરિભક્તે આક્રોશમાં આવીને એવી ચીમકી ઉચ્ચારી દીધી હતી કે, જો કોઈ સાધુ બહેનોના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા આવશે તો હું તેમના ધોતિયા ખેંચી લઈશ. મહિલાની આવી ચીમકીથી ઉપસ્થિત સૌ હરિભક્તો સ્તબ્ધ બની ગયા હતા. આ મહિલા હરિભક્ત કોણ છે તેની નામ સહિતની સંપૂર્ણ માહિતી ફેસ ઓફ નેશન પાસે છે પરંતુ તે લખવું યોગ્ય નથી. ફેસ ઓફ નેશન માત્ર એટલું જ ઈચ્છી રહ્યું છે કે, વિવાદો સાઈડમાં રાખીને પહેલા ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે.
ધર્મના વડાનું વલણ હંમેશા એવું હોવું જોઈએ કે, તેમના ધર્મના અનુયાયીઓમાં વિવાદ ન થાય અને વિવાદ થાય તો તેનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવું. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ કરેલી માંગણીથી આજે એવી સ્થિતિ ઉદભવી છે કે, હરિભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને મંદિરની માલિકી માટે સામસામે લડાઈ આપી રહ્યા છે. ભગવાન પણ વિચાર કરી રહ્યા હશે કે, મારા મંદિરની માલિકીમાં મારુ સ્થાન પણ મને આપવામાં આવી રહ્યું નથી. હાલ આચાર્યએ આ મામલો સાઈડમાં રાખીને પહેલા ભગવાનની પ્રતિષ્ઠાને મહત્વ આપવું જરૂરી છે. કેમ કે જો આમ જ ચાલશે તો આ વિવાદમાં તેમનો ધર્મ જ બદનામ થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી અને હરિભક્તો અંદરો અંદર ઝઘડી પડશે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગાઉ પણ મંદિરોની માલિકી મામલે બંધબારણે ઘણી વાર વિવાદો થઇ ચુક્યા છે. તેજેન્દ્ર પ્રસાદની વિદાય બાદ કૌશલેન્દ્ર પ્રસાદે આચાર્ય પદ સંભાળ્યું ત્યારથી મંદિરોની માલિકી કાલુપુર સ્વામિનારાયણ મંદિરને આપી દેવામાં આવે તેવો આગ્રહ તમામ મંદિરો પાસે કરવામાં આવ્યો છે. જો કે આ મામલે કોઈ ખુલીને કઈ પણ કહેવા ઇન્કાર કરી રહ્યા છે. હરિભક્તોનું માનવું છે કે, ધર્મના મામલે કઈ પણ બોલવું કે તેમનો અભિપ્રાય રજૂ કરવો એ શિક્ષાપત્રી વિરુદ્ધનું કાર્ય છે. ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના ઘણા નિયમોનું સરેઆમ ઉલ્લઘન થઇ રહ્યું હોવા છતાં કોઈ આ મામલે સચ્ચાઈ કહેવા તૈયાર નથી કેમ કે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ તેમને જે યોગ્ય લાગે તે જ નક્કી માને છે. જો કે હાલ નવાવાડજ સ્વામિનારાયણ મંદિર મામલે આચાર્યએ ભગવાનની પ્રતિષ્ઠાને મહત્વ આપીને આ વિવાદને ડામી દેવો જરૂરી બન્યો છે કેમ કે, જો મહિલા હરિભક્તો તેમના જ સંપ્રદાયના સાધુઓ માટે આમ બોલે તે કદાપિ યોગ્ય નથી. સાધુઓ તેમનો સંસાર અને સમાજનો ત્યાગ કરીને સંસ્થાને વફાદાર બને ત્યારે સંસ્થાએ તેમને મહત્વ આપવું જરૂરી બની જાય છે. ફેસ ઓફ નેશન કોઈ ધર્મનું વિરોધી નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય કે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ સાથે કોઈ દુશમની પણ નથી પરંતુ ધર્મના નામે જયારે આવા વિવાદો થાય અને ભગવાન પ્રતિષ્ઠા માટે રાહ જુએ તે કદાપિ યોગ્ય નથી. વાંચો આવતા અંકે : કલોલ અને હાથીજણ મંદિર પણ કાલુપુરને સોંપી દેવા માંગણી કરવામાં આવી પરંતુ સંતો તેની સાથે તૈયાર ન થયા અને શું થયું ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

Zydus Cadila કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા તૈયાર, વેક્સીન આપવા માટે સોયનો ઉપયોગ નહીં થાય