Home News તાલાલા પંથકમાં દીપડાની રંજાડ,લઘુશંકાએ ગયેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધી, વિસાવદરનાં ઢેબરમાં દીપડાએ...

તાલાલા પંથકમાં દીપડાની રંજાડ,લઘુશંકાએ ગયેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધી, વિસાવદરનાં ઢેબરમાં દીપડાએ ઘરમાં ઘુસી 6 બકરાંનું કર્યુ મારણ

તાલાલામાં દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો, ઘટનાસ્થળે જ મોત
રાજુલા લોર ગામે દીપડો ઘરમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઈ

Face Of Nation:ગીર સોમનાથ:તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા વૃદ્ધા પર ખુંખાર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાત્રીના દોઢ વાગ્યા આસપાસ હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા લઘુશંકા અર્થે ઘરની બહાર નીકળ્યા હતા. તે દરમિયાન દીપડાએ વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો હતો અને વૃદ્ધાને ગળાના ભાગેથી દબોચી લેતા વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે વિસાવદરના ઢેબરમાં દીપડાએ ઘરમાં ઘુસીને 6 બકરાનો શિકાર કર્યો હતો. જેથી વનવિભાગે દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે.

ઢેબરમાં દીપડાએ ઘરમાં ઘુસી જઈ 6 બકરાનો શિકાર કર્યો
વિસાવદર તાલુકાનાં ઢેબર ગામે રહેતા વિપુલભાઇ દુલાભાઇ સોલંકીના મકાનમાં ગત રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં એક દીપડો ઘુસી ગયો હતો અને વાડામાં બાંધેલા 6 બકરાંને મારી નાંખ્યા હતા. સવારે વિપુલભાઇના પરિવારજનો ઉઠતાં આ વાતનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાયા બાદ વનવિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા 3-4 મહિનાથી વિસાવદર પંથકમાં દીપડાની રંજાડ વધી છે. રહેણાંક મકાનોમાં ઘુસીને માનવી અને માલઢોર પર કરાતા હુમલાને લીધે લોકોમાં ચિંતા પેઠી છે.

અમરેલીમાં દીપડો ઘુસી જતા વનવિભાગે રેસ્ક્યૂ કરી પાંજરે પુર્યો
રાજુલાના લોર ગામે રહેણાંક મકાનમાં દીપડો ઘુસી જતા વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને પાંજરે પુર્યો હતો. વહેલી સવારે દીપડો અચાનક રહેણાંક મકાનમાં ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દીપડો મથુરભાઈ હડીયાના મકાનમાં ઘુસ્યો હતો. જેથી સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. જેથી વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કરી દીપડાને પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.