Home News અમદાવાદ:વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીએ ઘર છોડયુ,ચિઠ્ઠી લખી વર્ણવી વ્યથા

અમદાવાદ:વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીએ ઘર છોડયુ,ચિઠ્ઠી લખી વર્ણવી વ્યથા

Single red percent symbol among many dollars

Face Of Nation:અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારી ઘર છોડી જતા રહ્યા છે. વેપારીએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં છ લોકોનાં નામ પણ લખ્યાં છે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે આ લોકોએ પૈસાની ઉઘરાણી માટે ઘર-ગાડી બધું જબરદસ્તીથી લખાવી લીધું છે. ઓઢવ પોલીસે છ વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઓઢવમાં શિરોમ‌િણ એવન્યૂ બંગ્લોઝમાં રહેતા સંકેત પટેલના પિતા જગદીશભાઈ પટેલ ઓઢવ સીએમસી સામેના તેજન્દ્ર એસ્ટેટમાં જય ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવે છે. ગુરુવારે જગદીશભાઈ રાબેતા મુજબ ઘરેથી જમીને કારખાના પર ગયા હતા. ત્યારબાદ જગદીશભાઈના પત્નીએ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જગદીશભાઈને ફોન કર્યા હતા, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી સાંજે કારખાનામાં કામ કરતા અલ્પેશભાઈનો સંકેત પર ફોન આવ્યો હતો કે આજે ત્રણ વાગ્યા પછી જગદીશભાઈ કારખાના પર આવ્યા નથી અને તેમની ઓફિસના ટેબલ પર ચાવી અને મોબાઈલ પડેલાં છે, તમે આવીને લઇ જાઓ. આમ કહેતાં સંકેત કારખાના પર ગયો હતો. ત્યાં જગદીશભાઈના ટેબલ પર એક ચિઠ્ઠી પડેલી હતી.

આ ચિઠ્ઠીમાં તેમણે પત્નીને સંબોધીને લખ્યું હતું કે હવે હું જીવી શકું તેમ નથી. બધા લોકો મને બહુ ત્રાસ આપે છે. મારી પાસે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બધાંએ મારી પાસેથી મકાન-ગાડી લખાવી લીધાં છે અને બધાંને બધું વ્યાજ આપી ચૂક્યો છું અને જો બધા તને કે સંકેતને હેરાન કરે તો પોલીસમાં ફરિયાદ કરી દેજે અને સુનિલ યાદવ, મનિષ પટેલ, ભાવિન, મ‌ણિભાઈ બાગડીએ મને ખૂબ હેરાન કર્યો છે. આ બધા મારી પાસેથી 20 ટકા વ્યાજ લે છે, જે હું ભરી શકું તેમ નથી અને હવે મારી પાસે વેચવા જેવું કંઈ નથી. તેમજ પ્રવીણ પટેલને જગદીશભાઈએ 18 તોલાના સોનાના દાગીના આપેલા છે. તેમણે વ્યાજનું વ્યાજ ગણી મારી કાર પણ લઇ લીધી. મનિષ પટેલે જગદીશભાઈ પાસે બાનાખત જબરદસ્તીથી લખાવી લીધું હતું. ત્યારબાદ સંકેતે ઘરે આવીને પિતા જગદીશભાઈની શોધખોળ કરી, પરંતુ તે મળી આવ્યા ન હતા. હાલ ઓઢવ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.