Face Of Nation 19-05-2022 : બ્રિટન પછી મંકી પોક્સ વાઈરસ હવે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. કેનેડાથી મેસેચ્યુસેટ્સથી આવેલી એક વ્યક્તિમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ વર્ષે અમેરિકામાં આ મંકી પોક્સનો પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોમાં બ્રિટન, સ્પેન, પોર્ટુગલ અને કેનેડામાં પણ આ દુર્લભ બીમારીના ડઝનેક કેસ સામે આવી ચૂક્યા છે.
મંકી પોક્સ શું છે? 10 આફ્રિકન દેશોમાં ફેલાયો હતો
મંકી પોક્સ બીમારી એક એવા વાઈરસને કારણે થાય છે, જે સ્મોલ પોક્સ એટલે કે ચિકનપોક્સ (શીતળા) વાઈરસના પરિવારનો સભ્ય છે. મંકી પોક્સ સૌપ્રથમવાર 1970માં વાંદરામાં જોવા મળ્યો હતો, એ પછી એ 10 આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયો હતો. 2003માં પહેલી વખત અમેરિકામાં એનો કેસ સામે આવ્યો હતો. 2017માં નાઇજીરિયામાં મંકી પોક્સનો સૌથી મોટો પ્રકોપ જોવા મળ્યો હતો. બ્રિટનમાં એનો કેસ પહેલી વખત 2018માં સામે આવ્યો હતો. તો બીજીતરફ આ બીમારી દુર્લભ જરૂર છે, પરંતુ ગંભીર પણ સાબિત થઈ શકે છે. અત્યારે મંકી પોક્સ મોટા ભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. 6મી મેના રોજ બ્રિટનમાં મળી આવેલો પહેલો દર્દી નાઇજીરિયાથી પરત ફર્યો હતો.
દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે
નિષ્ણાતોનું માનવું છે કે મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના નજીક જવાથી ફેલાય છે. આ વાઈરસ દર્દીના ઘામાંથી નીકળીને આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. એ સંક્રમિત વાંદરાઓ, કૂતરાઓ અને ખિસકોલી જેવાં પ્રાણીઓ દ્વારા અથવા દર્દીના સંપર્કમાં આવેલી પથારી અને કપડાંથી પણ ફેલાઈ શકે છે. દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.
WHOની ટીમ પણ એક્શનમાં આવી ગઈ
સ્પેન, પોર્ટુગલમાં 40 તો બ્રિટનમાં મંકી પોક્સના 9 કેસ મળ્યા. પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે. એજન્સી સમલૈંગિક દર્દીઓમાં આ વાઈરસના સંક્રમણની તપાસ કરી રહી છે તેમજ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)સંભવિત દર્દીઓને ઓળખવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યું છે. અત્યારે મંકી પોક્સ આઉટબ્રેક થવાની આશંકા નથી.
સમલૈંગિક પુરુષોને સંક્રમણનું જોખમ
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)નું કહેવું છે કે બ્રિટનમાં અત્યારસુધીમાં મંકી પોક્સના મોટા ભાગના કેસમાં એવા દર્દી પુરુષો છે, જે પોતાને ગે અથવા બાયસેક્સ્યૂઅલ તરીકે ઓળખાવે છે, એટલે કે આ પુરુષોએ પુરુષોની સાથે સંબંધ બનાવ્યા છે. આ જોતાં એજન્સીએ સમલૈંગિક પુરુષોને પણ ચેતવણી આપી છે. અત્યારસુધી મંકી પોક્સને સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ બીમારી માનવામાં નથી આવી. તેમ છતાં હેલ્થ એક્સપર્ટ્સે ગે અને બાયસેક્સ્યૂઅલ પુરુષોને ચેતવણી આપી છે કે જો તેમને કોઈપણ લક્ષણ દેખાય તો તરત સેક્સ્યૂઅલી હેલ્થ ચેકઅપ કરાવે.
ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે
મંકી પોક્સનાં પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવાં હોય છે. એમાં તાવ, માથું દુખવું, સ્નાયુઓમાં દુખાવો, કમરમાં દુખાવો, ધ્રુજારી, થાક અને સોજોલી લિમ્ફ નોડ્સ સામેલ છે. એના પછી ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે શરીરના બીજા ભાગમાં પણ ફેલાઈ શકે છે. સંક્રમણ દરમિયાન આ ફોલ્લીઓમાં ઘણા ફેરફાર થાય છે અને છેલ્લે ચિકનપોક્સની જેમ સ્કેબ તરીકે પડી જાય છે.
ચિકનપોક્સની વેક્સિન મંકી પોક્સ માટે પણ અસરકારક
CDCના અનુસાર, ચિકનપોક્સની વેક્સિન પણ મંકી પોક્સના સંક્રમણ પર અસરકારક સાબિત થાય છે. આ દુર્લભ બીમારીથી બચવા માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસિયેશન (FDA)એ 2019માં Jynneos નામની વેક્સિનને મંજૂરી આપી હતી. તેને યુરોપિયન મેડિસિન એજન્સીએ 2013માં મંજૂરી આપી હતી. જોકે વેક્સિનને 18 વર્ષથી વધુની ઉંમરના લોકો પર જ ઉપયોગ કરી શકાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).