Home News આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી...

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે

Face of Nation 04-02-2022 : ગુજરાતમાં ફરી એક વખત કોમી એખલાસને ડહોળવાનાં પ્રયાસો થયાનું સામે આવી રહ્યું છે (ધંધૂકા અને પોરબંદર કાંડ) તો સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ આયારામ ગયારામોનાં પક્ષ પલટાનાં કારણે ગરમાઈ રહ્યું છે મતલબ કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. આ કહેવુ બીલકુલ અતિશયોક્તિ ભરેલુ નહીં લાગે કારણ કે ગુજરાતે ભૂતકાળમાં પણ અનેક વખત ચૂંટણી સમયે આ તમામ ઘટનાઓ જોઇ છે.

શિસ્તબધ્ધ પક્ષ કહેવાતા ભાજપને બીજા પક્ષો પર ચૂંટણી પહેલા જ વિજય મેળવવાની હથરોટી સારી છે અને તે ભૂતકાળમાં અનેક વખત ભાજપે સાબિત કરી દીધુ છે. સામે વાળા પક્ષને લડ્યા પહેલા હરાવવાની આવડતને કારણે ભાજપે પોતાની રાજકિય સફર ખૂબ સફળતા પૂર્વક ખેડી રાષ્ટ્રીય સ્તરે પર અનેક વખત ડંકા વગાડ્યા છે.

ફરી એક વખત ભાજપે ચૂંટણીની તૈયારી અને ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેનુ ઉદાહરણ આપતા આપ એટલે કે આમ આદમી પાર્ટીના ઝાડૂં ને જ સાફ કર્યુ છે. જી હા, કોંગ્રેસનો રકાસ કાઢ્યા પછી ભાજપના નિશાન પર ગુજરાતમાં પોતાનો પગ દંડો જમાવવા મથતી આમ આદમી પાર્ટી છે.

રાજકીય તડજોડની ચાણક્ય ચાલ સાથે ભાજપ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ઉપર તરાપ મારતું અને હવે ભાજપનો ઝોક આપ તરફ વાળ્યો હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત ખાતે આપે સુરત નગરપાલિકાની સારી એવી બેઠક મેળવી હતી. અને હવે ‘આપ ‘ ભાજપની નજરમાં વસ્યું કે પછી ખટ્યું છે. આપના 5 કોર્પોરેટરોએ ઝાડુનો સાથ છોડી  કમળનું ફૂલ હાથમાં લઈ કેસરિયો ખેસ ઘારણ કર્યા છે.

ગુજરાત ભાજપનાં પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ ખાતે આપના કોર્પોરેટરો વિપુલભાઈ મેવાળીયા, જ્યોતિકાબેન રાઠીયા, રુતાબેન કાકડીયા, ભાવનાબેન દંડક અને મનીષા બેન કુકડીયા ભાજપમાં જોડાઇ ગયા છે.

પક્ષપલટુ કોર્પોરેટરોની પ્રતિક્રિયા

પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા તમામ કોર્પોરેટરએ પોતાની પ્રતિક્રિયા આપતા  જણાવ્યું છે  કે, PM મોદીની વિચારધારાથી પ્રભાવીત થઇ તેઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ નેતાઓ દ્રારા પોતાના નગરપાલિકાની ચૂંટણી સમયનાં પ્રચારને જોવામાં આવે તો માલુમ થાય કે આ તમામ પક્ષપલટુ નેતાઓને કઇ વિચારઘારા ગમતી હતી અને હાલ અચાનક હદય પરિવર્તન થઇ ગયુ હોવાનું સામે આવી રહ્યું છે. પક્ષ પલટો કોઇ નવી ઘટના નથી પરંતુ જ્યારે અને જ્યાં પણ ઘટી છે તે લોકશાહીનું સીધુ કે આડકતરુ હનન કહી શકાય તે ચોક્કસ છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).