Face Of Nation, 09-05-2021 : મેડિકલ રિસર્ચ જર્નલ ‘ધ લેન્સેટ’એ તેના એક સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અંગે આકરી ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય માફીને લાયક નથી. તેમણે ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ.
“રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યો હતો” આ કહેવત જૂની અને લોકમુખે છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો. આ રોગ સામે લડવા માટે તમામ દેશોના વડાઓએ પોતાના દેશની પ્રજાને લક્ષ્યમાં રાખીને અનેક અસરકારક નિર્ણયો લીધા. રાજાએ કદાપિ એવા કાર્યો ન કરવા જોઈએ કે જેનાથી પ્રજાની મુશ્કેલીમાં વધારો થાય અથવા તો પ્રજાને તકલીફોનો સામનો કરવો પડે. કોરોના ભીડભાડથી વધે છે અને લોકોમાં તેનો ચેપ ફેલાય છે જેથી આ મહામારીએ વિશ્વના તમામ દેશોને લોકડાઉન કર્યા. આ લોકડાઉન બાદ પણ વિશ્વના દેશો એવા કાર્યોથી દૂર રહ્યા કે જેનાથી આ રોગની બીજી લહેરમાં લોકો વધુ ભોગ બને.
બીજી બાજુ ભારતમાં સરકારો એવા તાયફાઓ અને ચૂંટણીના નામે સભાઓ ગજવતા રહ્યા જેને કારણે કોરોનાએ બીજી લહેરમાં પ્રથમ લહેર કરતા પણ વધુ લોકોને તેના સકંજામાં લીધા. બીજી લહેર જીવલેણ બનવા પાછળ સરકાર અને પ્રજા બંને સરખે હિસ્સે જવાબદાર રહી છે. સરકારે તાયફા કર્યા પણ પ્રજાએ તેમાં ભાગ લીધો તે પણ એક વખોડવાલાયક બાબત હતી. સત્તા ભલે ગમે તેવા તાયફા કરે પણ પ્રજાએ તેમના પરિવાર અને દેશવાસીઓ માટે આવી આફતના સમયે ગમે તેવી લોકપ્રિય સરકાર કે નેતાઓની સભાઓથી દૂર રહીને સાવધાની અને કાળજી રાખવી વધુ હિતાવહ અને જરૂરી બની જાય છે. જો કે તેમ થયું નહીં અને પરિણામ આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યો છે.
પ્રજા આજે ગમે તેટલો આક્રોશ વ્યક્ત કરે કે પત્રકારો કઈ પણ લખે, કોર્ટો પણ ગમે તે હુકમ કરે કે ગમે તેવી કડક ભાષામાં સરકારની કામગીરીની આલોચના કરે તેમ છતાં સરકારના પેટનું જાણે કે પાણી હાલતું નથી અને સરકાર જાણે કે મનફાવે તેમ નિર્ણયો લેવામાં વ્યસ્ત બની ગઈ છે. જે પ્રજાએ ખોબે ખોબે મત આપીને સરકારને ચુંટીને સત્તા સ્થાને બેસાડી છે તે જ સરકારે આજે પ્રજાને હોસ્પિટલ, સારવાર, દવા અને અંતે સ્મશાનમાં લાઈનમાં ઉભી કરી દીધી છે. કોવિડ-19 મહામારીની અત્યારની બીજી લહેર જ એવી ઘાતક સાબિત થઈ છે કે ભારતમાં જ્યાં જૂઓ ત્યાં લોકો સંક્રમિત થઈને ટપોટપ મોતને ભેટી રહ્યા છે. હવે ભારતમાં દરરોજ કોરોનાથી પીડિત દર્દીઓનાં મોતનો આંકડો 4000થી ઉપરનો આવી રહ્યો છે.
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. ઓક્સિજન અને બેડ માટે લોકો નિઃસહાય નજરે પડે છે. સોશિયલ મીડિયા સહિત જ્યાં પણ શક્ય હોય ત્યાં મદદ માટે પોકાર કરી રહ્યા છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને કાળાબજારનો સામનો કરવો પડી રહ્યો છો અથવા તો મોતને ભેટવાનો વારો આવે છે. આ સ્થિતિ વાસ્તવમાં આરોગ્ય ક્ષેત્રની માળખાકીય ખામીના કારણે સર્જાઈ છે.
સરકાર કોરોનાવાયરસની બીજી લહેર વખતે બેધ્યાન જ રહી ગઈ હોય એવો ઘાટ ઘડાયો. સરકારની એવી ચૂક પણ થઈ છે કે જેનાથી દેશમાં મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. આમ છતાં, સરકાર વધુ પડતા આત્મવિશ્વાસમાં જ જોવા મળી. માર્ચની શરૂઆતમાં એટલે કે બીજી લહેરના પ્રારંભ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એલાન કરી દીધું કે ભારતમાં કોરોના લગભગ ખતમ થવાની સ્થિતિમાં છે અને આપણે તેના પર લગભગ જીત મેળવી લીધી છે. આજે જ્યારે કોરોનાનો કોઈ તોડ શોધી શકાયો નથી ત્યારે રસી જ એકમાત્ર એવું હથિયાર છે કે જે કોરોનાવાયરસ સામે કંઈક પણ સુરક્ષા આપી શકે તેમ છે. પરંતુ કોરોના હવે ખતમ થવામાં છે એવા આત્મવિશ્વાસ સાથે સરકારે રસીકરણની ગતિ ધીમી કરી નાખી. જ્યારે પશ્ચિમના અનેક દેશોમાં રસીકરણ એટલી ઝડપથી ચલાવાયું કે આજે લોકો માસ્ક વિના આરામથી હરીફરી શકે છે અને નવા કેસોની સંખ્યા મહ્દઅંશે ઓછી થઈ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)