Face Of Nation:ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા ગૃહ મધરાત બાદ પણ ચાલુ રહ્યું હતું. 14મી વિધાનસભાનાં છેલ્લા દિવસે શુક્રવારે સત્ર 17.40 કલાક ચાલ્યાનો સૌથી લાંબા સમય સુધી કાર્યરત રાખવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને રાતના 3.40 સુધી ચાલ્યું હતું. સાથે જ છેલ્લા દિવસે એક નહીં પરંતુ 9-9 બિલ પાસ કર્યાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.સવારે 10 વાગ્યે આરંભાયેલી ગૃહની કાર્યવાહી મોટેભાગે 2.30 કલાકે પૂરી થઈ જતી હોય છે. પરંતુ શુક્રવારે હાથ ધરવામાં આવેલા સત્રમાં નવ બિલ રજૂ થયા હતા. જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, શહેરી વિકાસ સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલી હતી. જેને પગલે ગૃહ અડધી રાત વીત્યા બાદ પણ ચાલ્યું હતું. તેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ જોડાયા હતા.
સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું સત્ર રાતે 3.40 કલાક સુધી ચાલી હતી. દરમિયાન મધરાત બાદ પણ વિધાનસભા ગૃહ ચાલ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ જોડાયા હતા અને રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ ધારાસભ્યો માટે વિધાનસભા પરિસરમાં જ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 1991માં ગૃહ રાતના 11.32 કલાક સુધી ચાલ્યું હતું.