Home Uncategorized ધર્મ સત્તાના ખભે રાજ સત્તાનો હાથ : હિંદુત્વના નામે ધર્મ સત્તા રાજ...

ધર્મ સત્તાના ખભે રાજ સત્તાનો હાથ : હિંદુત્વના નામે ધર્મ સત્તા રાજ સત્તાના શરણે, સાધુઓની કિંમત કોડીની !, જુઓ Video

Face Of Nation 10-03-2023 : ધર્મ સત્તા જ્યારે રાજ સત્તાના શરણમાં જાય છે ત્યારે ધર્મ પતન તરફ ધકેલાય છે. લોકોનો ધર્મ પ્રત્યે વિશ્વાસ ડગી જાય છે. ભાજપના રાજમાં હિંદુત્વના નામે મોટાભાગના અનેક ભગવાધારીઓ રાજકીય રસ્તે દોટ મૂકી રહ્યા છે. સાધુઓ ભગવાનના જયકારા કરતા નરેન્દ્ર મોદીના જયકારામાં વધુ મગ્ન થઈ ગયા છે. તાજેતરમાં ગાંધીનગર વિધાનસભા ખાતે યોજાયેલી હોળીમાં એક સત્ય અને હકીકત ઉજાગર કરતું દ્ર્શ્ય જોવા મળ્યું. આ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે કે, ધર્મ સત્તા જ્યારે રાજ સત્તામાં ભળે છે ત્યારે તેની કિંમત કોડીની થઈ જાય છે. ભાજપના ધારાસભ્યએ તેમના જ પક્ષમાંથી ધારાસભ્ય બનેલા સાધુના ખભે હાથ એ રીતે મૂકીને ફોટો પડાવવા ઉભા રહી ગયા જાણે કે રાજસત્તાએ ધર્મસત્તા ઉપર અડિંગો જમાવી દીધો. હિંદુત્વના નામે ઝંડો પકડીને પ્રજાને મૂર્ખ કેવી રીતે બનાવવામાં આવે છે તે અંગે આ દ્રશ્ય દ્વારા ઘણું બધું કહી જાય છે. હિંદુઓ માટે ખુબ જ શરમજનક અને અપમાન જનક આ દ્રશ્ય છે કે જ્યાં સાધુને પૂજનીય અને વંદનીય માનવામાં આવે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આગળ જીતુ વાઘાણી લાકડી ફેરવીને જાણે કે કરતબ દેખાડી રહ્યા છે અને પાછળ ધારાસભ્ય સ્વામીના ખભે હાથ મૂકીને ફોટો પડાવવા દોડી આવે છે. ખરેખર આ વિડીયો રાજ્યની જનતા ઉપર અટ્ટહાસ્ય કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતી સંસ્કૃતિમાં સાધુઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં સાધુઓને આદર અને સન્માન આપવામાં આવે છે. ગમે તેવો ચમરબંધી કે ધુરંધર કેમ ન હોય તે ક્યારેય સાધુના ખભે હાથ રાખીને ફરવાની હિંમત કરે નહિ કેમ કે મર્યાદા અને આદર આપણને ગળથુથીમાં જ શીખવવામાં આવ્યો છે અને બાળપણથી જ સાધુ એટલે સન્માનનીય એવું શીખવવામાં આવ્યું છે. સાધુ પાસે જતા જ સ્વાભાવિક નતમસ્તક બનીને બે હાથ જોડાઈ જાય. પરંતુ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે દ્રશ્યએ સાધુતાનું શરમથી માથું ઝુકાવી દીધું. ધારાસભ્ય બનેલા સાધુના ખભે તેમના સાથી ધારાસભ્ય ઝૂમી રહ્યા હતા. રાજ સત્તાના શરણે ગયેલા આવા કેટલાય સાધુઓએ સાધુતા પ્રત્યે લોકોની મર્યાદા ગુમાવી દીધી છે. જેની પાછળ ભગવામાં છુપાયેલા રાજકીય લોકો જવાબદાર છે. રાજનીતિ અને સાધુતા બંને ભેગુ ક્યારેય ન થઈ શકે. રાજકીય વ્યક્તિ સાધુ ન બની શકે અને સાધુ ક્યારેય રાજકીય ન બની શકે.
આજથી 10 વર્ષ અગાઉ તમે ક્યારેય કોઈ સાધુને રાજનીતિમાં કે રાજકીય કાર્યક્રમોમાં નહીં જોયા હોય. પરંતુ છેલ્લા દસેક વર્ષથી સાધુઓ જાણે કે ધર્મની આડ લઈને સત્તાનો પ્રચાર કરી રહ્યા હોય તેમ અવારનવાર ચૂંટણી સમયે રાજકીય પાર્ટીના પ્રચારમાં કે રાજકીય કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે. નેતાઓ તેમના મત વિસ્તારમાં જે સાધુ કે મંદિરના મહંતના અનુયાયી વધુ હોય તેના પગે પડેલા ફોટા સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ કરે છે અને આવા સાધુઓના અનુયાયીઓની ભક્તિ જે તે નેતા માટે મતમાં રૂપાંતરિત થઇ જાય છે. ખરેખર આવી તસવીરો ખુબ જ શરમજનક હોય છે. જે સાધુઓ પોતાની આસપાસ સામાન્ય ભક્તોને ફરકવા પણ નથી દેતા કે જે સાધુની નજીક જવા પણ અભિમન્યુના સાત કોઠા વીંધવા પડે તેવી સ્થિતિ હોય તેવા સાધુઓ આજ કાલ નેતાઓની ઓફિસે કે બંગલે દેખાતા થઇ ગયા છે જે ધર્મની રક્ષા ઉપર અનેક સવાલો ઉભા કરે છે.
ધર્મ કોઈ પણ હોય સાધુતા અને સાધુની મર્યાદા અતિ જરૂરી છે. સાધુ રાજકીય બને તેનાથી તેની મર્યાદા કોડીની બની જાય છે તે અહીં રજૂ કરેલા વિડીયો ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. ખેર ! પ્રજા જ જયારે સ્વીકારે છે ત્યારે કોઈ કશું બોલવાને હક્કદાર નથી. પ્રજાએ જાણે કે, સ્વીકાર કરી લીધો છે કે, ભાજપમાં આવેલા સૌ દુધે ધોયેલા શાહુકાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સોમનાથ ટ્રસ્ટના આગેવાનના ઇશારે વેપારીને ફાયદો કરાવવા અંબાજીમાં મોહનથાળ બંધ!, “રજૂઆતો”નું માત્ર નાટક, નિર્ણય રદ્દ થશે

પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ નિર્ણય અંગે કરો રજૂઆત