Face Of Nation:ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) બુધવારે ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ મામલે પોતાનો નિર્ણય આપશે. સાંજે 6:30 વાગ્યે કોર્ટ પોતાનો નિર્ણય આપશે. ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પર આખા દેશની નજર રહેશે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2007માં કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર મોતની સજા સંભળાવી હતી. જોકે, તેની સામે ભારતે આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજો ખખડાવ્યો હતો. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં બુધવારે સાંજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે નિર્ણય જાહેર થશે. કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ નિર્ણય વાંચી સંભળાવશે. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિલ દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, પાકિસ્તાને જાધવનો કોન્સ્યુલર એક્સેસ ન આપતા પાછળ તે જાસૂસ હોવાનું બહાનું આગળ ધરતું રહ્યું હતું.પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.