Home News અધિકારીના હાથમાં પાવર હોય છે, છતાં પરિણામ ન આવે તો જવાબદાર પણ...

અધિકારીના હાથમાં પાવર હોય છે, છતાં પરિણામ ન આવે તો જવાબદાર પણ એ જ હોય છે

ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 06-05-2020 : પ્રજાને કાયદાનું પાલન કરાવવું અને આવી મહામારી સમયે પણ લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને કેવી રીતે અટકાવવા તે માટે અધિકારીઓના હાથમાં જરૂરી પાવર હોય છે. તેમ છતાં જો કોઈ મામલે નક્કર પરિણામ ન દેખાય તો જવાબદાર પણ એ જ અધિકારી બને છે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાના કેસમાં પણ કંઈક આવું જ છે. કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી આ અધિકારી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં એક મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. સતત ભાગદોડ કરતા આ અધિકારીની કામગીરીનું પરિણામ મળી રહ્યું નહોતું. અમદાવાદમાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હતા. તેઓની કામગીરી ઉપર જાણે કે કોરોના અટ્ટહાસ્ય કરી રહ્યો હતો અને તેના ફેલાવાને વધારી રહ્યો હતો. સૌથી મોટી આશ્વર્યજનક બાબત પણ એ હતી કે, અમદાવાદમાંથી આ રોગ અન્ય જિલ્લાઓમાં પણ ફેલાયો છે. અધિકારીની કામગીરી પ્રજાના હિત સમયે રાજકારણથી પણ ઘણી ઉપર હોય છે.
વધતા જઈ રહેલા કોરોનાના કેસો અને નક્કર પરિણામની આશાએ શહેરીજનો સતત વિચારમગ્ન હતા. જ્યાં ચાર લોકો ભેગા થાય ત્યાં સૌથી પહેલી ચર્ચા એ બની જતી કે, “યાર આ કોરોના તો જોરદાર વધી રહ્યો છે, ક્યારે અટકશે ?” આ ચર્ચાનો કોઈ મજબૂત જવાબ અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી. તેવામાં ગુજરાતમાં કોરોનાનું કેન્દ્ર બનેલા અમદાવાદમાં જેના માથે આ રોગને લઈને મહત્વની જવાબદારી છે તેની કામગીરી ઉપર પણ લોકોની નજર હોય તે સ્વાભાવિક છે. અમદાવાદ શહેર મ્યુ. કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે. જેના કમિશનર વિજય નેહરા હતા. હાલ તેઓ કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવી હોમ ક્વોરેન્ટાઇન થયા છે. જે સતત ઓફિસોમાં મીટિંગો, શહેરમાં પરિસ્થિતિનો તાગ મેળવવા ભાગદોડ કરતા હતા પરંતુ આ મિટિંગો અને ભાગદોડ નિર્થક નીવડી રહી હોય તેમ સતત કેસોમાં વધારો થઇ રહ્યો હતો.
કેટલાક લોકોનું માનવું છે કે, જે કામ કરે એનાથી ભૂલ થાય. પરંતુ ભૂલને સમયાંતરે સુધારી લેવી અથવા તો ભૂલને પકડવી ખુબ અઘરું હોય છે. ક્યારેક એવું પણ બને છે કે, જે વ્યક્તિ કામ કરતો હોય તે પોતાની જ ભૂલ નથી પકડી શકતો અને તે ભૂલ અન્ય કોઈ પકડી લઈ તેનું નિરાકરણ લાવી દેતા હોય છે. વિજય નેહરા સાથે પણ કંઈક આવું જ બન્યું હશે. તેઓ ઘણા કામો કરતા હશે પરંતુ કોરોના ઉપર કાબુ નહીં મેળવી શકવા તેમની એક ભૂલ પણ જવાબદાર રહી હશે અથવા તો કોઈ એવી બેદરકારી હશે જે તેમના ધ્યાને આવી નહીં હોય. જેના કારણે કોરોનાના કેસો સતત વધી રહ્યા છતાં તેમની કોઈ કામગીરી અસરકારક ન રહી.
કેટલાક લોકોનું માનવું છે કે, નેહરાએ તો સારા જ કામ કર્યા છે પરંતુ પ્રજાએ લોકડાઉનનો ભંગ કર્યો છે. હવે આવા વિચારો જયારે રજૂ કરવામાં આવે ત્યારે તે માત્ર અધિકારીના લુલા બચાવ માટે હોય તેમ કહેવામાં કોઈ બે મત નથી. અધિકારી પાસે પાવર હોય છે. જે પાવર આમ જનતાને કોઈ પણ ભોગે કંટ્રોલ કરી શકે તેવી તાકાત ધરાવતો હોય છે. તેવામાં વૈશ્વિક મહામારી સમયે અધિકારી જો આ પાવરનો ઉપયોગ કરવા માટે સત્તાને કે પ્રજાને ગમશે કે નહીં તેવા વિચારો કદાચ કરે તો પણ તે વાજબી કદાપિ નથી. કારણ કે, અધિકારી માટે તેની પ્રાથમિકતા પ્રજાનું હિત હોય છે. લોકશાહીમાં પ્રજાની જેમ જ પ્રજાહીત પણ સર્વોપરી છે. રાજસ્થાનના ભીલવાડામાં થયેલી કામગીરી આ બાબતનું ઉદાહરણ છે. અહીંના અધિકારીઓએ કડકાઈ દાખવવામાં કોઈનું સાંભળ્યું નથી અને માત્ર પ્રજાને કોરોનામાંથી ગમે તે ભોગે ઉગારવી તે મંત્ર અપનાવી લઈ રાત દિવસ કામગીરી કરી હતી. અંતે કડક નિર્ણયોએ આજે પરિણામ દેખાડી દીધું છે. રાજકારણ ક્યાં નથી થતું ? પરંતુ તે બધાની ઉપરવટ જઈને પ્રજા હિતમાં થતી કાર્યવાહી હંમેશા જીતને સમર્પિત હોય છે. તેવી જ રીતે અહીં પણ અધિકારીઓએ પોતાનો પાવર ખરા અર્થમાં ખરા સમયે વાપર્યો હોત તો આજે પરિણામ અલગ જ હોત.
કોઈ પણ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટરના હાથમાં ગુનેગારી વધે નહીં તેના પાવર હોય છે. જયારે ગુનાખોરી વધે ત્યારે આ ઇન્સપેકરના બચાવમાં એવા જવાબ આવે કે, એમણે તો ઘણા પ્રયાસ કર્યા પરંતુ ગુનેગારો કે લોકો માન્યા નહીં તો તે તેમના પાવરની કમજોરીની ચાડી ખાય છે. પોતાના હાથમાં રહેલી સત્તાને નબળી પાડો ત્યારે જ લોકો હાવી થાય છે. ડરના માર્યા ભલભલા ધ્રુજી જાય છે તો જેના હાથમાં પાવર હોય તેણે જે કાયદાનું પાલન ન કરતા હોય તેને ધ્રુજારી પણ આપવી જ જોઈએ. તેમાં ખચકાટ અનુભવવો એ યોગ્ય નથી. ખેર ! હાલ તો નવા નિયુક્ત થયેલા મુકેશકુમાર માટે અમદાવાદને કોરોના મુક્ત કરવાનો પડકાર મળ્યો છે. મુકેશ કુમાર અગાઉ અમદાવાદમાં કામગીરી કરી ચુક્યા છે અને તેઓ અમદાવાદના ભૂગોળ વિશે સારી રીતે વાકેફ પણ છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી