Home Gujarat લીંબુને “નજર લાગી”: 400 રૂપિયા કિલો સુધી પહોંચેલા લીંબુના ભાવ હજી વધશે,...

લીંબુને “નજર લાગી”: 400 રૂપિયા કિલો સુધી પહોંચેલા લીંબુના ભાવ હજી વધશે, 1 મહિના 6 ગણા વધ્યાં ભાવ!

Face Of Nation 11-04-2022 : ખાવા-પીવામાં ખટાશ માટે ઉપયોગમાં આવતા લીંબુને હવે ઘરે લાવવા એ સામાન્ય માણસો માટે એક પડકાર છે. સમગ્ર દેશમાં એક લીંબુની કિંમત અંદાજે 15થી 20 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, એક કિલો લીંબુની વાત કરવામાં આવે તો ભાવ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક મહિના પહેલાં કિંમત 70-80 રૂપિયા હતી, એટલે ભાવ લગભગ 6 ગણા વધી ગયા છે.
ગુજરાતમાં લીંબુ કર્ણાટક-મહારાષ્ટ્રમાંથી આવે છે
જમાલપુર દરવાજા માર્કેટના લીંબુના કારોબારી ધવલભાઈ પ્રજાપતિ આ અંગે કહે છે કે ગુજરાતમાં લીંબુ મહારાષ્ટ્ર, ચેન્નઈ અને કર્ણાટકમાંથી આવે છે. ગરમીની સીઝનમાં અમદાવાદમાં જ રોજ 150 ટન લીંબુનો વપરાશ થાય છે. હાલ લીબુની રોજની આવક 70 ટનની આસપાસ છે. એને કારણે લીંબુની કિંમત હાલ ખૂબ વધી ગઈ છે.
5 ગણો ઓછો સપ્લાય થઈ રહ્યો
સમગ્ર દેશમાં 40-45% લીંબુનો સપ્લાય આંધ્રપ્રદેશના ઈલ્લુર માર્કેટમાંથી થાય છે. તિરુપતિ જિલ્લાના ગુડૂર માર્કેટમાંથી લગભગ એટલો જ સપ્લાય કરવામાં આવે છે. બાકીનો 10% સપ્લાય તેલાની, રાજમુંદરી માર્કેટમાંથી થાય છે. ઈલ્લુર મંડીમાં 20 હજારથી વધુ લીંબુનું ઉત્પાદન કરનાર ખેડૂત રજિસ્ટર્ડ છે. સામાન્ય સીઝનમાં અહીં રોજ 25 ટ્રક (એક ટ્રકમાં 21 ટન)નો સપ્લાય આખા દેશમાં કરવામાં આવે છે. જોકે હાલ માંડ માંડ 5 ટ્રક એટલે કે 5 ગણો ઓછો સપ્લાય થઈ રહ્યો છે.
1 ટ્રક લીંબુનો ભાવ 5 લાખથી 31 લાખ
છેલ્લાં બે વર્ષમાં લીંબુની ખેતી કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એનું કારણ કોરોના મહામારી છે. ઈલ્લુરમાં 5 હેક્ટરમાં લીંબુની ખેતી કરનાર ખેડૂત એ.નિરંજને જણાવ્યું હતું કે કોરોના કાળમાં લીંબુ સારા થયા, પરંતુ બજાર ખૂલ્યાં નહોતાં. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા વરસાદથી પાકને ભારે નુકસાન થયું હતું. એવામાં સપ્લાય ઘટી ગયો અને એક ટ્રક લીંબુ જે પહેલાં 5 લાખ રૂપિયામાં મળતાં હતાં, એ હવે 31 લાખ રૂ.માં મળી રહ્યાં છે.
દેશમાં સૌથી વધુ લીંબુ આંધ્રમાં ઊગે છે
લીંબુ માટે આંધ્રની માટી સૌથી સારી છે. એને વારંવાર પાણીની જરૂર પડતી નથી. ઝાડ 3-4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે અને 5 વર્ષ સુધી એને ખાતર અને જરૂરિયાત જેટલું પાણી જીવતું રાખે છે.
જથ્થાબંધ ભાવ 200 રૂ. તો રિટેલ કિંમત 300 રૂ. સુધી
દક્ષિણ ગુજરાતના ખેડૂતો 100થી 120 રૂપિયા પ્રતિ કિલોમાં હોલસેલ વેપારીઓને લીંબુ વેચે છે. જ્યારે માલ અમદાવાદ ઊતરે છે તો સેમી-હોલસેલર્સ વેપારીઓને તે 140થી 160 રૂપિયામાં મળે છે. બજારની બહાર મોટા વેપારીઓ સુધી પહોંચતાં-પહોંચતાં કિંમત 180થી 200 રૂપિયા કિલો સુધી થઈ જાય છે. નાની દુકાન અને શાકભાજી વેચનારને એ 200થી 250 રૂપિયામાં મળે છે અને સામાન્ય માણસ સુધી પહોંચતાં એની કિંમત 300-400 રૂપિયા થઈ જાય છે.
લીંબુના ભાવ હજી વધશે
કાલુપુર શાકમાર્કેટના વેપારી સતીશ શિવકાનીએ જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ ભારતમાંથી થતી લીંબુની આવક પણ ઘણી ઓછી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક વાત તો ચોક્કસ કહી શકાય છે કે આવનારા દિવસોમાં લીંબુની કિંમતો વધશે. હવે વરસાદ પડ્યા પછી નિયમિત લીંબુની આવક શરૂ થયા પછી જ કિંમતો ઘટશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).