ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 30-04-2020 : લોકો એમ માની રહ્યા હોય કે, સરકારે અને કોર્પોરેશને ખુબ જ સારી કામગીરી કરી છે અને કોરોના સામે લડવા માટે મજબૂતાઈથી કામ કર્યું છે તો તે તેમની ભૂલ હશે. આમ કહેવું થોડું કડવું ચોક્કસ લાગશે પરંતુ આમ કહેવું ખોટું પણ નથી. સરકાર અને તંત્રએ જે રીતે પહેલો કેસ નોંધાયો અને કામગીરીની શરૂઆત કરી એ કદાચ ભૂલ ભરેલી ચોક્કસ હતી. કોરોના નામનો રોગ એક વાર ફેલાવાનું શરૂ કરે છે તો તેને કાબુમાં લેતા નાકે દમ આવી જાય છે. આ વાત નવી નથી. આ વાત સમગ્ર વિશ્વ જાણે જ છે. અમદાવાદના સેનાપતિઓ અને રાજ્યના સત્તાધીશો પણ આ વાત સારી રીતે જાણતા જ હતા. તેમ છતાં અમદાવાદ કોર્પોરેશને અને સરકારે કડક કાર્યવાહી કરવાને બદલે આવા કેસો ધરાવતા લોકોને શોધવાનું કામ કર્યું. શોધવા કરતા તેને અટકાવવા જરૂરી હતા. શોધવાના દિવસોમાં આ રોગને ફેલાવા માટે મોકળું મેદાન મળી ગયું. લોકડાઉનનો હવે બીજો તબક્કો પણ પૂરો થવા આવ્યો છે ત્યારે કમિશનર વિજય નેહરાએ ગઈકાલે કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં 115 સુપર સ્પ્રેડરને શોધી લેવામાં આવ્યા છે. તેમની આ શોધખોળ શું ખરા સમયની છે ? ના, જો પહેલા જ સતર્કતા સાથે કડક કાર્યવાહી થઇ હોત તો આજે આ શોધખોળ પણ ન કરવી પડતી.
અહીં વાત કરીએ રાજસ્થાનના ભીલવાડાની. જે આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બની ગયું છે. આ જિલ્લાએ કરેલી કામગીરી ખરા અર્થમાં સમગ્ર દેશમાં થઇ હોત તો ચોક્કસ કોરોના ઉપર કાબુ મેળવી શકાયો હોત તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોરોના સામે લોકડાઉન જાહેર કરી દેવું તે માત્ર એક રસ્તો નથી. કોરોનાને કાબુમાં લેવા અને સંપૂર્ણ નાશ કરવા માટે ભીલવાડાની જેમ કડક કાર્યવાહી અને કર્ફ્યુની જરૂર હતી. ગુજરાતમાં કોરોના અમદાવાદમાં હદ બહાર વધી ગયો તે સત્તાની નિષ્ફ્ળતા છે. આ બાબત ઉપરથી તેમની કામગીરી કેવી હશે તેનું અનુમાન લગાવી શકાય છે. વિજય નેહરાએ મહેનત ચોક્કસ કરી, સાથે જ પોલીસ અધિકારીઓએ પણ મહેનત કરી પરંતુ આખરે આ મહેનત આજે વ્યર્થ સાબિત થઇ રહી છે. કારણ કે, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. નેહરાએ અને પોલીસ કમિશનરે શરૂઆતથી જ જો કર્ફ્યુ નાખીને કડકાઈ દાખવી હોત તો આજે અમદાવાદની આ સ્થિતિ ન હોત તેમ કહેવામાં કોઈ બે મત નથી. પ્રજાને જે નિર્ણયો કડવા લાગે છે તે જ નિર્ણયો હંમેશા મહામારીઓ સામે જીત અપાવે છે આ એક નગ્ન સત્ય છે.
આરોગ્ય વિભાગે અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને અમદાવાદમાં પહેલો કેસ નોંધાયો ત્યારે જ કડક થઇ જવાની જરૂરિયાત હતી. કેસો નહીં વધે, કાબુમાં આવી જશે તેવા વિચારોએ જ કદાચ સત્તાને આજે આ મહામારી સામે નબળી પુરવાર કરી દીધી છે. રાજસ્થાનનો ભીલવાડા, જે દેશનો પ્રથમ કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જેણે વાયરસ સામે મહાન યુદ્ધ જીત્યું છે. ભીલવાડા દેશનું એકમાત્ર એવું શહેર છે કે જેણે 20 દિવસમાં કોરોનાને હરાવ્યો. જેના માટે મુખ્ય પરિબળ હતું, જિલ્લા વહીવટીતંત્રની નક્કર વ્યૂહરચના, કડક નિર્ણયો, ચૂંટણી જેવું મેનેજમેન્ટ અને જીતવાનો આગ્રહ. પ્રજાને આ બધું ચોક્કસ આકરું લાગ્યું પરંતુ આખરે પરિણામ પણ એ જ રણનીતિએ દેખાડ્યું.
રાજસ્થાનના ભીલવાડાએ શું કામગીરી કરી હતી ?
ભીલવાડામાં કલેકટર કચેરીના સ્ટાફે આખી રાત જાગીને કામગીરી કરી અને સમગ્ર જિલ્લાને ચેપ મુક્ત બનાવી દીધો. અહીં સ્થિતિ એટલી કથળી ગઈ હતી કે, મહત્તમ 27 દર્દીઓ આવતા હતા. તે બધા ખાનગી હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ હતા. વધતી સંખ્યાથી ગભરાયેલા વહીવટીતંત્રએ જ કહ્યું હતું કે, “ભિલવાડા બોમ્બ(કોરોના)ના ઢગલા ઉપર છે”, પરંતુ હિંમત યથાવત્ રહી. 19 માર્ચે પ્રથમ દર્દી નોંધાયો. બીજા દિવસે વધુ પાંચ દર્દીઓ આવતા જ જિલ્લા કલેકટરે કડક નિર્ણય લઈ તાત્કાલિક કર્ફ્યુ લગાવી દીધો. ઘણી મિટિંગો, અધિકારીઓના મંતવ્યો અને યોજનાઓના અંતે પરિણામ મળતું ગયું. કલેકટરે લીધેલો કર્ફ્યુ અને મહાકર્ફ્યુનો નિર્ણય જ કોરોનાની મહામારી સામે લડવામાં સફળતા અપાવી ગયો. સર્વે માટે તબીબી વિભાગને જવાબદારી સોંપવામાં આવી હતી. ફીલ્ડ સર્વેની જવાબદારી એડીએમ રાકેશકુમારને આપવામાં આવી હતી. આ એક મોટો પડકાર હતો. મુખ્ય ટીમ રાત્રે 3 વાગ્યા સુધી સંબંધિત એસડીએમ પાસેથી ડેટા એકત્રિત કરતી હતી અને સંકલન કરતી હતી. બીજા દિવસે સવાર થતા જ કલેક્ટરના ટેબલ પર એક અહેવાલ પહોંચી જતો, જેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવતી હતી. આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર અને મેડિકલ સ્ટાફની દર અઠવાડિયે બદલી કરવામાં આવતી જેથી તેઓ સંક્રમિત ન થાય. સાત દિવસની ડ્યુટી પછી તેમને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવતા, જેને કારણે મેડિકલ સ્ટાફ, ડોકટરોને કોરોનાનો ચેપ ન લાગ્યો. પ્રજાને એ શરૂઆતના દિવસોમાં તકલીફનો સામનો કરવો પડ્યો. પરંતુ પ્રજા હવે થોડો સમય વેઠેલી એ તકલીફ આજે કાયમ માટેની શાંતિ બની ગઈ હોય તેવો અહેસાસ કરી રહી છે.
કોર્પોરેશનની ભૂલો કઈ કઈ અને તેઓએ શું કરવાની જરૂર હતી ?
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની સૌથી પહેલી ગંભીર ભૂલ એ જ હતી, કે કોરોનાના કેસ વધતાની સાથે જ કર્ફ્યુ ન નાખ્યો કે લોકડાઉનમાં કડકાઈ ન દાખવી. લોકો સેવાના નામે રસ્તા ઉપર બિન્દાસ્ત ટહેલતા હતા, શાકભાજીના બજારો ભરાતા હતા. બીજી ભૂલ એ હતી કે, આ રોગના ફેલાવાનું જાણતા હોવા છતાં જમાલપુર-જેતલપુર જેવા વિસ્તારોમાં આવેલા શાકભાજીના બજાર ચાલવા દીધા. ત્રીજી ભૂલ એ હતી કે જે સમયે જરૂરિયાત હતી ત્યારે એ વાત ધ્યાને ન લીધી કે શાકભાજીઓ વાળા, કરિયાણાવાળા સૌથી વધુ લોકોના સંપર્કમાં આવશે, જો આ લોકોને કોરોના થશે તો ? તે અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થઇ. ચોથી ભૂલ એ હતી કે, કોટ વિસ્તારોમાં ફેલાઈ રહેલા કોરોનાને લઈને અન્ય વિસ્તારોમાં જોઈએ તેવું ધ્યાન ન આપ્યું. જયારે કોટ વિસ્તારમાં કેસોની શરૂઆત થઇ ત્યારથી જ જો સમગ્ર કોટ વિસ્તારને કોર્ડન કરીને કર્ફ્યુ નાખી દીધો હોત અને સાથે જ સમગ્ર અમદાવાદમાં પણ કર્ફ્યુ નાખી દીધો હોત તો કોરોનાનો ફેલાવો આટલી હદે ન પહોંચ્યો હોત. શાકભાજી, કરિયાણાવાળા, આ બધા એવા લોકો હતા કે જે હોલસેલર પાસેથી માલ લાવતા હતા અને છૂટક વેચતા હતા. જેમનાથી અનેક લોકો સંપર્કમાં આવતા હતા. આજે પ્રજા ડરની મારી શાકભાજી ખરીદતી નથી જો કે પહેલેથી જ શાકભાજી વાળાઓને બંધ કરીને કડકાઈ દાખવી હોત તો આજે પ્રજાએ શાકભાજી ખરીદતા ડર ન અનુભવવો પડતો.
કર્ફ્યુ છતાં કેમ આજે પણ કેસો વધી રહ્યા છે ?
લોકડાઉનનું પાલન કરાવવામાં પણ પોલીસને આંખે પાણી આવ્યું છે. પોલીસ વિભાગ જે લોકો લોકડાઉનનું પાલન નહોતા કરતા તેઓ વિરુદ્ધ 188 હેઠળ કેસ નોંધતી હતી. પ્રજા ગાંઠતી નહોતી તેમ છતાં કર્ફયુ ન નાખવામાં આવ્યો. અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ નંખાયો પરંતુ બે કલાકની છૂટછાટ આપી જેણે સમગ્ર દિવસની મહેનત ઉપર પાણી ફેરવી દીધું. ઘણી જગ્યાએ એવું બન્યું કે મહિલાઓના ટોળેટોળા બહાર આવી ગયા. જેને કારણે કોરોના ફેલાતો અટકી શક્યો નહીં. આજના દિવસે પણ કોટ વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાઈ રહ્યા છે. સત્તાએ અમદાવાદને બચાવવા માટે કર્ફ્યુ નાખવો અત્યંત જરૂરી હતો. હજુ જરૂરી છે. કારણ કે, પ્રજા ઉપર જો કડકાઈ દાખવવામાં આવશે તો જ આ રોગ મામલે નક્કર પરિણામો મળશે. બાકી, હજુ આ કેસો વધતા જ રહેશે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે