Home News જયપુરના રાજવી પરિવારે “તાજમહેલ” પર કર્યો દાવો; દિયા કુમારીએ કહ્યું- ત્યાં અમારો...

જયપુરના રાજવી પરિવારે “તાજમહેલ” પર કર્યો દાવો; દિયા કુમારીએ કહ્યું- ત્યાં અમારો મહેલ હતો, કોર્ટ આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું!

Face Of Nation 11-05-2022 : વિશ્વની સાત અજાયબીઓમાંના એક તાજમહેલ પરના તમામ દાવાઓ વચ્ચે જયપુરનાં રાજવી પરિવારે દાવો કર્યો છે કે તાજમહેલ તેમની સંપત્તિ છે. રાજવી પરિવારના સભ્ય અને ભાજપનાં સાંસદ દિયા કુમારીએ કહ્યું કે તે જગ્યાએ અમારો મહેલ હતો. કોઈએ તાજમહેલના દરવાજા ખોલવાની અપીલ કરી છે તે સારી વાત છે. જેથી સત્ય સામે આવશે. અમે પણ હવે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.
કોઈએ અવાજ ઉઠાવ્યો તે સારું થયું, પિટિશન દાખલ થઈ
દિયા કુમારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો છે, જે દર્શાવે છે કે પહેલા તાજમહેલ જયપુરના જૂના રાજવી પરિવારનો મહેલ હતો, જેના પર શાહજહાંએ કબજો કર્યો હતો. જ્યારે શાહજહાંએ જયપુરનાં પરિવારનો તે મહેલ અને જમીન લઈ લીધી હતી, ત્યારે પરિવાર તેનો વિરોધ કરી શક્યો નહીં, કારણ કે તે સમયે તેનું શાસન હતું. તો બીજીતરફ દિયા કુમારીએ કહ્યું- ‘આજે પણ જો સરકાર કોઈ જમીન અધિગ્રહણ કરે છે તો તેના બદલામાં વળતર આપે છે. મેં સાંભળ્યું છે કે તેના બદલામાં થોડું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે એવો કોઈ કાયદો નહોતો કે વ્યક્તિ તેની વિરુદ્ધ અપીલ કરી શકે અથવા તેની વિરુદ્ધ કંઈ કરી શકે. હવે કોઈએ અવાજ ઉઠાવ્યો તે સારું થયું અને કોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરી છે. નોંધનીય છે કે જ્યારે અયોધ્યા મંદિર દરમિયાન રામના વંશજોને લઈને મુદ્દો ઉભો થયો હતો ત્યારે પણ જયપુર રાજવી પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ રામના વંશજ છે. આ માટે તેઓ કોર્ટમાં પણ જુબાની આપવા તૈયાર છે.
બંધ ઓરડાઓ ખોલવા જોઈએ અને તપાસ કરવી જોઈએ
સાંસદ દિયા કુમારીએ કહ્યું- હું એમ નથી કહેતી કે, તાજમહેલ તોડી નાખવો જોઈએ, પરંતુ તેના ઓરડાઓ ખોલવા જોઈએ. તાજમહેલના કેટલાક રૂમ બંધ છે. કેટલાક ભાગોને ત્યાં લાંબા સમયથી સીલ કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવી જોઈએ અને તેને ખોલવા જોઈએ, જેથી તે જાણી શકાય કે ત્યાં શું હતું અને શું નથી. શું જયપુરના પૂર્વ શાહી પરિવાર વતી કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમે હવે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે તપાસ કરીશું કે કયા પગલાં લેવા જોઈએ.
કોર્ટ આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું
સાંસદ દિયા કુમારીએ કહ્યું- ‘જો દસ્તાવેજોની જરૂર હોય તો જયપુરના પૂર્વ શાહી પરિવારના અમારા ટ્રસ્ટનાં પોથી-ખાનામાં પણ છે. કોર્ટ આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું. અમારી પાસેના દસ્તાવેજોમાં સ્પષ્ટ છે કે શાહજહાંને તે સમયે આ મહેલ ગમ્યો હતો અને તેણે તેને કબજે કર્યો હતો. શું ત્યાં મંદિર હતું? આ સવાલ પર દિયા કુમારીએ કહ્યું કે મેં હજુ સુધી તમામ દસ્તાવેજો જોયા નથી, પરંતુ તે સંપત્તિ અમારા પરિવારની હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).