Home Uncategorized આખરે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ સ્વીકાર્યું, હવે તપાસનો ધમધમાટ શરૂ...

આખરે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ સ્વીકાર્યું, હવે તપાસનો ધમધમાટ શરૂ થયો

Face of Nation 16-12-2021: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા લીક થયું હોવાના આરોપ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે પેપર લીક થયા હોવાના કોઈ પુરાવા નથી. ત્યારબાદ ભારે ઉતાર ચઢાવ વચ્ચે પુરાવાઓ રજૂ કરાતા બાદ હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ આખરે સ્વીકાર કર્યો હતો.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલું પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર થતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને એક ઇ-મેઇલ કર્યો છે અને પેપરલીકની તપાસ કરવા જણાવ્યું છે. અસિત વોરાએ પેપરલીકની તપાસ મામલે ઈ-મેઈલ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. ગૌણ સેવા મંડળની સૌથી મોટી લાપરવાહીનો ભાંડાફોડ કરવામાં આવી ચૂક્યો છે. ગૌણ સેવા મંડળે લીધેલી પરીક્ષાના બે પેપર ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે. એક મહિનામાં ગૌણ સેવા મંડળના બે પેપર ફૂટ્યા છે. જેમાં હેડ ક્લાર્ક અને સબ ઓડિટરનું પણ પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ સાબરકાંઠામાંથી હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યૂં હોવાની પુષ્ટી થઈ ચૂકી છે.

આ ઘટનામાં મૂળ ધોળકાના વતની અને હાઇકોર્ટના પટાવાળાને પોલીસે ઉઠાવ્યો છે. કોર્ટ સંકૂલમાંથી પોલીસે પટાવાળીની ધરપકડ કરી છે. હાઈકોર્ટના પટાવાળાની ધોળકા પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ પુછપરછમાં તમામ આરોપીઓના નામ પણ ખૂલ્યાં હતા. 10 ઓક્ટોબરે પરીક્ષા યોજાઈ હતી. સબ ઓડિટરની ભરતી કૌભાંડના 10માંથી 3 ઝડપાઈ ચૂક્યા છે. હેડ ક્લાર્કની પરીક્ષાના 11 શકમંદોને પોલીસે અટકાયત કરી છે.

તમને જણાવી દઈએ કે, 2019માં લેવાયેલ પરીક્ષાનું પેપર ફુટ્યાનો ખુલાસો 1 મહિના પછી થયો હતો. જો કે આ વખતે ખુલાસો પેપર ફુટ્યાના દિવસે જ દાવો કરવામાં આવ્યો હતો. જેને હવે સત્તાવાર રીતે સમર્થન મળ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહના આરોપ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા લીક થયું હોવાના આરોપ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને નકારી દીધા હતા. જોકે હવે પુરાવાઓ સામે આવતા હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો તંત્રએ જ સ્વીકાર કર્યો છે.

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે પતિ પત્નીએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી, જે અંગે યુવરાજસિંહે વાત કરી હતી. જેને લઈને હમીરગઢ ગામે ઝી 24 કલાકની ટિમ પહોંચી હતી જ્યાં તપાસ કરતા બંને ઘરે ન હતા. યુવરાજસિંહે જાહેર કરેલ હમીરગઢના મયુર પટેલ હાલ ગામમાં હાજર નથી. તેમજ તેમનો મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. આમ યુવરાજસિંહે કરેલ આક્ષેપ પ્રમાણે શંકા મજબૂત બનતી લાગી રહી છે. પતિ પત્ની બંને હેડ ક્લાર્કની પરીક્ષા આપવા માણસા ગયા હતા.

તો બીજી તરફ, પેપરલીક કાંડમાં હમીરગઢના બે પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા એચ.એફ. ચૌધરી સ્કૂલમાં ગયા હતા તેવો યુવરાજસિંહે દાવો કર્યો હતો. પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારોના પિતાએ વચેટિયાને ચેક સુપરત કર્યો હતો તેવો દાવો યુવરાજે કર્યો હતો. યુવરાજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉમેદવાર પરીક્ષા આપીને બહાર આવે છે ત્યારે નાણાંકીય વ્યવહારો કરાયા બાદ એને છોડવામાં આવ્યો હતો.

તો સમગ્ર મામલે એસ.એફ. ચૌધરી વિદ્યા સંકુલના પ્રિન્સિપલ દેવજી ચૌધરીએ કહ્યું કે, નિયમોને આધીન માત્ર ઉમેદવારોને જ અમે પ્રવેશ આપ્યો હતો. સમગ્ર પરીક્ષાની સીડી અમે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપી છે. અમારી પાસે જે પણ CCTV ફૂટેજ માગશે અમે એમને આપીશું. બહાર કોણ આવ્યું કોણ ગયું એની અમને જાણ ન હોય. પરિક્ષાખંડમાં લાગેલા CCTV ફૂટેજમાંથી આ પરીક્ષાર્થીઓ મળી રહેશે. 12 તારીખે યોજાયેલી પરીક્ષા 20 બ્લોકમાં 600 વિદ્યાર્થીઓએ આપી હતી. 11 વાગેથી પ્રવેશખંડ અપાયો હતો, 12 થી 2 વાગ્યાની પરીક્ષા હતી. અમે કોઈપણ વાલીને પરીક્ષા સમયે કેમ્પસમાં પણ પ્રવેશ આપતા નથી. પેપરનો સેટ ખોલતા પહેલા જે તે વર્ગમાંથી બે ઉમેદવારોની સહી લઈને સીલ ખોલવામાં આવે છે. અમે સંપૂર્ણ શરતોને આધીન પરીક્ષા યોજી છે.’

ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ મામલે ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયુ હતું. ફાર્મ હાઉસ માલિક ડૉ. નીતિન પટેલે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે. જે ફોટા વાયરલ કરવામાં આવ્યા આવ્યા છે તે મકાન ફાર્મ હાઉસ નથી, પણ તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા કુલ 6 સેન્ટરો પર લેવાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતાં. જેમાં 186 જગ્યા માટે કુલ 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)