Face Of Nation 10-05-2022 : અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ઘરે બે ઠગ આવ્યા હતા. જેમણે મહિલાને સોનું ચમકાવી આપવા કહી ચાંદીની વાડકી ચકચકિત કરી આપતાં મહિલાએ વિશ્વાસમાં આવી સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કાઢી આપ્યું હતું. જેના ઉપર લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તુરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સિટી વગાડવા કહ્યું હતું.
કૂકર ખોલીને જોતાં તેમનું 5 તોલા સોનું ગાયબ
જેથી ભેજાબાજોએ કૂકરમાં સોનાના દાગીના નાખી દીધા હતા. ઉપરાંત અમે પાંચ મિનિટમાં આવીએ છીએ તેમ કહી બંન્ને ફરાર થઈ ગયા હતા. મહિલાને શક જતા તેણીએ કૂકર ખોલીને જોતાં તેમનું 5 તોલા સોનું ગાયબ હતું. હિન્દી, તમિલ અને અંગ્રેજી ભાષા બોલતા બંન્ને ભેજાબાજોએ તેમને ઠગ્યા હોવાનો અહેસાસ થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો બીજીતરફ દાગીના ખોનારાં પૂર્ણિમાબેન દવેએ જણાવતાં કહ્યું હતું કે, બેમાંથી એક શખ્સ બહાર ઉભો હતો, જે તરત નીચે જતો રહ્યો હતો અને પછી મારી સાથે રસોડામાં જે ઉભો હતો એ વ્યક્તિ પણ હું હમણાં આવું છું એમ કહી ફટાફટ નીચે ઉતરીને જતો રહ્યો હતો. મને શક થયો એટલે મેં કૂકર કાઢીને અંદર જોયું તો ઘરેણાં નહોતા. મારું પાંચ તોલાનું સોનું હતું એમ કહેતા બેન રડી પડ્યા હતા.
“મારું મંગળસુત્ર છેલ્લા 33 વર્ષથી હું પહેરતી હતી”
પૂર્ણિમાબેને વધુમાં જણાવ્યું હતું કે મારું મંગળસુત્ર છેલ્લા 33 વર્ષથી મારા ગળામાં હું પહેરતી હતી, કોઇ દિવસ કાઢતી નહોતી. મને તરત જ ખૂબ શોક લાગ્યો એટલે હું પાછળ ભાગીને જોવા ગઇ તો નીચે કામવાળા બેન ઉભા હતા. મેં એને પણ પૂછ્યું કે પેલા સફેદ કલરવાળા શર્ટ પહેરીને બે જણા આવ્યા હતા એ ક્યાં ગયા? તો એમણે કહ્યું કે એ લોકો બાઇકમાં ભાગી ગયા.
“કોઇના વિશ્વાસે તમારા ઘરેણા કાઢીને ન આપશો”
આટલું કહી મહિલાએ સૌને નિવેદન કરતા જણાવ્યું હતું કે કોઇના વિશ્વાસે તમે બારણું ખોલશો નહિ, તમે હું આજે એકલી હતી ઘરમાં એટલે મારું બધું જતું રહ્યું. તમે પણ કોઇ દિવસ તમારું બારણું ખોલશો નહિ, કોઇના વિશ્વાસે તમારા ઘરેણા કાઢીને ન આપશો. આ જ મારી રીક્વેસ્ટ છે. એ બંને શખ્સો વિશે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે એ લોકો હિન્દીમાં બોલતા હતા, યુપીના હોવાનું તેમણે મહિલાને જણાવ્યું હતું. પણ એ લોકો તમિલ સહિત તમામ ભાષા બોલતા હતા તેમજ થોડું થોડું ઇગ્લિંશ પણ બોલતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).