Face Of Nation 06-04-2025 : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લથડી ગઈ છે. વિકાસની આડમાં બેનંબરી ધંધાઓ એટલી હદે વધી ગયા છે જે કોઈનો જીવ લઇ રહ્યા હોવા છતાં નિષ્ઠુર તંત્રના અધિકારીઓનું કે નેતાઓનું પેટનું પાણી હાલતું નથી. લાશો ઉપર માત્ર રાજકીય રોટલાઓ શેકવા એક બીજા વિરુદ્ધ નિવેદનબાજીઓ કરતા નેતાઓ થોડા સમય પછી તેમના મોઢે તાળા મારી દે છે. થોડા સમય પછી બધું શાંત થતાની સાથે જ ફરીથી બેનંબરી ધંધાઓ વેગ પકડે છે ત્યાં સુધી જ્યાં સુધી બીજી કોઈ જીવલેણ ઘટના ન બને. ગુજરાતમાં સમયાંતરે ગેરકાયદે ફેકટરીઓ, ગેરકાયદે ગેમ ઝોન, ગેરકાયદે ક્લાસીસોથી માંડીને ગેરકાયદે ધંધાઓ ધમધમી રહ્યા છે અને ત્યાં સુધી બિન્દાસ્ત ધમધમે છે જ્યાં સુધી કોઈના જીવ જાય તેવી મોટી ઘટનાઓ ન બને. શરમજનક છે પણ લાશો ઉપર રાજકારણ રમનારા નેતાઓએ મોતની કિંમત શૂન્ય કરી નાખી છે. ઘરેથી નીકળતો નાગરિક સુરક્ષિત ઘરે પાછો ફરશે તેની કોઈ ગેરંટી નથી. કેમ કે, રસ્તે પણ ક્યારે કોણ નશામાં ધૂત થઈને જીવલેણ અકસ્માત કરી દેશે તેને પણ કોઈને ખબર નથી.
ગુજરાતનો નાગરિક સવાર ઉઠેને ન્યુઝ પેપર હાથમાં લે એટલે એને કોઈને કોઈના અકસ્માતે મૃત્યુના સમાચાર વાંચવા મળે છે. પત્રકારો પણ દિવસે દિવસે અકસ્માતો અને ઘટનાઓનું પત્રકારત્વ કરીને બે ત્રણ દિવસ સત્તા સામે સવાલો કરીને ચુપકીદી સેવી લે છે. નેતાઓ પણ “કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહિ આવે”ના નિવેદનો આપે છે અને પ્રજાને ભોઠ બનાવે છે. પ્રજા પણ નેતાઓના નિવેદનો સાંભળીને તેમની સાંત્વના સ્વીકારી લે છે. જો કે આજદિન સુધી કોઈ એવી ઘટના નથી બની કે જેનું પુનરાવર્તન ન થાય. હંમેશા નેતાઓ અને સત્તાની બેદરકારીને કારણે ગંભીર ઘટનાઓ બને છે અને નિર્દોષ પ્રજાને જીવ ગુમાવવાનો વારો આવે છે. ક્યારેય કોઈ નેતા કે કોઈ અધિકારીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો નથી. આ જાડી ચામડીના લોકો કોઈના મોત સમયે એક બીજા સામે નિવેદન બાજીઓ કરીને નફ્ફટાઈની જાણે કે તમામ હદો વટાવી નાખે છે.
નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ભલામણોથી જ બે નંબરી ધંધાઓ બિન્દાસ્ત બને છે તેમ છતાં આજદિન સુધી કોઈ પણ સરકારી ઉચ્ચ અધિકારી કે નેતા વિરુદ્ધ ગુનો નોંધાયો નથી કે કોઈને પણ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા નથી. લોકશાહી દેશમાં પ્રજા માટે આવા નેતાઓ અને સત્તા શરમજનક છે જે પ્રજાની સુરક્ષા પણ કરી શકતી નથી કે પ્રજાની સુરક્ષા માટે કડકાઈ પણ દાખવી શકતી નથી. ખરેખર નમાલા નેતાઓએ સાળીઓ ઓઢીને ફરવું જોઈએ કે જે પ્રજાની સુરક્ષા કરી શકતા નથી. ઘટના ઘટ્યા પછી આવા નિવેદનોએ સત્તાની નિષ્ક્રિયતા છતી કરે છે. એકાદ બે પત્રકારો જો સત્તા સામે કે નેતાઓ સામે કડકાઈથી સમાચારો લખે તો નમાલા નેતાઓના ઈશારે તેમના નમાલા અધિકારીઓ પત્રકારો ઉપર પોલીસ કેસ કરીને તેમની બહાદુરી છતી કરી છે. થું થું છે આવા નફ્ફટ અને નમાલા નેતાઓ અને અધિકારીઓ ઉપર. ખેર કર્મ કોઈને છોડતું નથી. અનેક દાખલાઓ છે કે, નેતાઓના પપેટ બનીને કાયદાના લીરેલીરા ઉડાડતા અધિકારીઓને અંતિમ સમયે રિબાઈ રિબાઈને મૃત્યુ સામે ઝઝૂમવું પડે છે અથવા તેમના સંતાનો તેમના કરેલા ભોગવે છે. ઈશ્વર અધિકારીઓ અને નેતાઓને સદબુદ્ધિ આપે કે, કોઈ નિર્દોષ નાગરિકના મોત થાય તેવી ઘટનાઓ બને તે પહેલા ગેરકાયદે ધંધાઓ બંધ થાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).