Face Of Nation 09-06-2022 : જસદણના આટકોટ નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર પડીકુ વળી ગઈ હતી. કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બાદમાં તેને બહાર કાઢી 108 મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આટકોટ પોલીસ દોડી ગઈ હતી. તપાસ કરતા કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના માલિક હસમુખ નારાયણ સાકોરિયા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારના આગળના ભાગના ફૂરચેફૂરચા
આટકોટના ગોંડલ હાઈવ પર ખારચીયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ બાજુ આવતી ટ્રક અને ટાટા ઇન્ડિગો માન્જા સામસામી ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારનો આગળો ભાગ પડીકુ વળી ગયો હતો. કારનો આગળનો ભાગ એટલી હદે ભેગો થઈ ગયો હતો કે ચાલક હરેશ વિરજીભાઈ વાસાણીને બહાર કાઢવામાં લોકો અસમર્થ રહ્યા હતા. બાદમાં ક્રેન બોલાવી તેને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લોકોએ 108ને જાણ કરતા સાણથલી ગામની 108ના પાયલોટ સંજય સામટ અને ઈએમટી મેહુલ બિહોરા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 મારફત હરેશને જસદણની હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હરેશ વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હતો.
કારમાંથી 60 બોટલ દારૂની મળતા કબ્જે કરી
અકસ્માતમાં કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતા કેટલાક શખસો તો બોટલ લેવા ઉમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખસો ભાગી ગયા હતા. જોકે બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેના હાથે માત્ર 60 બોટલ દારૂની મળતા કબ્જે કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે 1,72,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો તે દિશામાં તપાસ હાથ ધરી છે. કાર માલિક હસમુખ સાકોરીયા સામે દારૂનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).