Home Religion પ્રદ્યમનપાર્ક “ઝૂ”માં “નવા મહેમાન”નું આગમન; રાજકોટ ઝૂમાં સફેદ વાઘણે 2 વાઘબાળને આપ્યો...

પ્રદ્યમનપાર્ક “ઝૂ”માં “નવા મહેમાન”નું આગમન; રાજકોટ ઝૂમાં સફેદ વાઘણે 2 વાઘબાળને આપ્યો જન્મ, 7 વર્ષમાં 2 વાઘણે 11 બાળવાઘ જન્મ્યા!

Face Of Nation 22-05-2022 : રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્‍થાના અંતે વહેલી સવારના 2 વાઘ બાળનો જન્‍મ થયો છે.
માતા અને બચ્ચા બંને તંદુરસ્ત
હાલ માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ઝૂમાં હાલ સફેદ વાઘની સંખ્યા 6 થઈ
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહ્યું છે. હાલ ઝૂ ખાતે 2 સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 6 થઇ ગઈ છે. જેમાં પુખ્ત નર 1, પુખ્ત માદા 3 અને 2 બચ્ચાનો સમાવેશ થાય છે. હાલ ઝૂમાં જુદી જુદી 59 પ્રજાતિઓનાં 490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).