Home World યુક્રેન સંકટ : યુદ્ધ ઉગ્ર બનશે તો ભારતમાં અસંખ્ય ચીજો મોંઘી થશે

યુક્રેન સંકટ : યુદ્ધ ઉગ્ર બનશે તો ભારતમાં અસંખ્ય ચીજો મોંઘી થશે

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર થઈ શકે
ક્રૂડ ઓઇલના વધારાની વૈશ્વિક જીડીપી પર અસર
યૂક્રેનથી સ્વદેશ પરત ફરેલા ભારતીયોની જુબાની

Face of Nation 24-02-2022 : રશિયા અને યૂક્રેન વચ્ચે જો યુદ્ધ ઉગ્ર બનશે અથવા તો તંગદિલી લાંબો સમય ખેંચાશે તો તેની સીધી અસર ભારતના આમ આદમી ઉપર પડી શકે તેમ છે. કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં વધારો નક્કી છે.

તજજ્ઞોનું માનવું છે કે, પ્રાકૃતિક ગેસથી લઇને ઘઉં સહિતના વિભિન્ન અનાજોની કિંમતમાં વધારો થશે. રશિયા-યૂક્રેન સંકટના પરિણામે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ 96.7 ડોલર પર પહોંચી ગઇ છે, કે જે સપ્ટેમ્બર 2014 પછી સૌથી વધારે છે.

નોંધનીય છે કે રશિયા ક્રૂડ ઓઇલના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. વર્તમાન પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર થઇ શકે તેમ છે. ક્રૂડ ઓઇલનો વધારો વૈશ્વિક જીડીપી પર અસર કરી શકે છે. વિશ્લેષકો કહે છે કે ક્રૂડ ઓઇલની કિંમતમા ઉછાળો આવ્યો છે તેને પરિણામે વૈશ્વિક જીડીપી વૃદ્ધિદર ઘટીને ફક્ત 0.9 ટકા રહી જશે.

નેચરલ ગેસ 10 ગણાં મોંઘા થઈ શકે

જથ્થાબંધ ભાવાંક બાસ્કેટમાં ક્રૂડ ઓઇલ સંબંધિત ઉત્પાદકોની પ્રત્યક્ષ હિસ્સેદારી નવ ટકાથી વધારે છે. તેથી બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારો ભારતના WPI ફુગાવામાં લગભગ 0.9 ટકાનો વધારો કરશે. વિશેષજ્ઞો અનુસાર, જો રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ થાય તો ઘરઆંગણે નેચરલ ગેસની કિંમત દસ ગણી વધી શકે છે અને તેને પગલે એલપીજી અને કેરોસીન ઉપરની સબસિડીમાં વધારો થવાની આશા છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે

ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતના કારણે સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો વધારો થયો છે. 2021માં ઇંધણની કિંમતના મોરચે રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. જો સંકટ જળવાઇ રહેશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઇ શકે છે.

ઘઉંની કિંમતો પણ વધી શકે છે

જો કાળા સમુદ્ર ક્ષેત્રમાંથી અનાજના પ્રવાહમાં અવરોધ ઊભો થશે તો નિષ્ણાતોને ડર છે કે, તેની કિંમત અને ઇંધણ ખાદ્ય ફુગાવા પર મોટો પ્રભાવ પડી શકે છે. રશિયા વિશ્વનું ટોચનું ઘઉં નિકાસકાર છે. જ્યારે યૂક્રેન વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું ઘઉં નિકાસકાર છે. બન્ને દેશ મળીને વિશ્વની કુલ નિકાસમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે.

વિશ્વભરની બિયર કંપનીઓમાં ગભરાટ

વાસ્તવમાં રશિયા અને યૂક્રેન બન્ને ઘઉં ઉપરાંત જવ (BARLEY)ના ઉત્પાદનમાં અગ્રણી દેશો છે. આ બન્ને દેશો જવના મામલે પણ ટોચના પાંચ નિકાસકારોમાં સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે, બિયરના ઉત્પાદનમાં સૌથી વધારે વપરાશ જવનો થાય છે, તે પછી ઘઉંનો પણ બિયરના ઉત્પાદન માટે ઠીકઠીક ઉપયોગ થાય છે. રશિયા અને યૂક્રેન વચ્ચે તંગદિલીના કારણે ઘઉં અને જવની સપ્લાય અવરોધાઈ શકે છે.

યૂક્રેનથી સ્વદેશ પરત ફરેલા ભારતીયોની જુબાની

રશિયા અને યૂક્રેન વચ્ચે કથળી રહેલી સ્થિતિ વચ્ચે ભારતે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે 242 વિદ્યાર્થીઓ સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ નવી દિલ્હી ઊતરી હતી. સ્વદેશ પરત ફરેલા આ ભારતીયોએ યૂક્રેનની સ્થિતિ વિશે માહિતી આપી હતી. સ્વદેશ પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. યૂક્રેનથી પરત ફરેલા ઘણા વિદ્યાર્થીઓને એવું લાગ્યુ હતું કે, તેમને ભારત આવીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

યૂક્રેનમાં છેલ્લા બે વર્ષથી મેડિકલનો અભ્યાસ કરી રહેલી તન્વીના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં યૂક્રેનની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. તન્વી પશ્ચિમ યૂક્રેનમાં રહેતી હતી. જોકે, ત્યાં હાલ સ્થિતિ ખરાબ નથી. તમામ સરહદો પર રશિયન સેના ખડકાયેલી છે. સરહદે મોટી સંખ્યામાં રશિયન હથિયાર અને ટેન્કો જોવા મળી રહ્યા હતા. તો તબીબ બનવાનું સ્વપ્ન લઈને યૂક્રેન ગયેલા રિયાન્શે કહ્યું હતું કે, તેણે યૂક્રેન જવા માટે ઘણી તૈયારી કરી હતી. તેના માતા-પિતાએ ઘણી મહેનત કરીને ફી ભરી હતી. આશા હતી કે હું ડિગ્રી લઈને જ પરત ફરીશ. પણ તેમ થઈ શક્યું નહીં. હાલ તો સ્થિતિ સામાન્ય જેવી જ છે પણ તણાવ જરૂર હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).