Home News ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવી રહી છે કેન્દ્રીય મંત્રીની દીકરી; કોંગ્રેસના પ્રવક્તા પવન...

ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવી રહી છે કેન્દ્રીય મંત્રીની દીકરી; કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાનો સ્મૃતિ ઈરાની પર આરોપ, PMને કરી હટાવવાની માગ!

Face Of Nation 23-07-2022 : કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવી રહી છે. આ મામલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને હટાવવાની માગ કરી છે. આ તરફ, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ આ તમામ આરોપોને ફગાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીની પુત્રીના વકીલ કિરાત નાગરાએ નિવેદન આપ્યું હતું કે, તેમની અસીલ ‘સિલી સોલ્સ’ નામની રેસ્ટોરન્ટની ન તો માલિક છે અને ન તો તેને ચલાવે છે. ઉપરાંત, તેમને કોઈપણ ઓથોરિટી તરફથી કોઈ કારણ બતાવો નોટિસ પણ મળી નથી.
મારા અસીલને એટલા માટે બદનામ કરી રહ્યા છે
કેન્દ્રીય મંત્રીની પુત્રીના વકીલ કિરાત નાગરાએ કહ્યું કે મારી અસીલ વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી રીતે અપમાનજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. તેઓ તેમના અસીલની માતા સ્મૃતિ ઈરાની પાસેથી રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વકીલે તમામ આરોપોને સખ્ત શબ્દોમાં ફગાવતા જણાવ્યુ કે, આ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે અને તપાસ કર્યા વિના જ ખોટી સનસની ઉભી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે તેઓ મારા અસીલને એટલા માટે બદનામ કરી રહ્યા છે કે તે કેન્દ્રીય મંત્રીની પુત્રી છે.
કોંગ્રેસે સ્મૃતિના પરિવાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
કોંગ્રેસે એક કાગળ બતાવીને દાવો કર્યો હતો કે એક્સાઈઝ વિભાગ દ્વારા સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણ બતાવો નોટિસ અપાઈ હતી, પરંતુ નોટિસ આપનાર અધિકારીની કથિત રીતે બદલી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી હેડ પવન ખેડાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. જેમા ગોવામાં તેમની પુત્રી દ્વારા ચલાવવામાં આવતા એક રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવા માટે નકલી લાઇસન્સ આપવાનો આરોપ છે. તેમણે કહ્યું કે આ કોઈ સૂત્રોને ટાંકીને કે એજન્સીઓ દ્વારા રાજકીય બદલો લેવા માટે કરવામાં આવેલો આરોપ નથી. પરંતુ માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતીમાં ખુલાસો થયો છે.
પવન ખેડાએ કેન્દ્રીય મંત્રી પર સાધ્યું નિશાન
આ દરમિયાન પવન ખેડાએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીએ તેના સિલી સોલ્સ કેફે એન્ડ બાર માટે નકલી દસ્તાવેજો આપીને ‘બાર લાઇસન્સ’ મેળવ્યું હતું. તેમણે કહ્યું કે 22 જૂન, 2022ના રોજ ‘એન્થોની ડીગામા’નું નામ આપી લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરી હતી, જ્યારે ગયા વર્ષે મે મહિનામાં જ એન્થનીનું અવસાન થયું હતું. એન્થનીના આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું છે કે તે મુંબઈના વિલે પાર્લેનો રહેવાસી હતો. RTI હેઠળ માહિતી માંગનારા વકીલને તેમનું ડેથ સર્ટિફિકેટ પણ મળ્યુ છે.
ગોવામાં મૃત વ્યક્તિના નામથી બારનું લાઇસન્સ
પવન ખેડાએ જણાવ્યું હતું કે દસ્તાવેજો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે બાર લાયસન્સ માટે જરૂરી રેસ્ટોરન્ટ લાયસન્સ વિના જ બાર લાઇસન્સ ઈશ્યુ કરાયા હતા. તેમણે કહ્યું, અમે પ્રધાનમંત્રી પાસે માગ કરીએ છીએ કે સ્મૃતિ ઈરાનીને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે. જ્યારે રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીના પ્રહાર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખેડાએ કહ્યું, અખબાર ચલાવવા જેવા સારા કાર્યની તુલના ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવા સાથે કરી શકાય નહીં. તો બીજીતરફ તેણે પૂછ્યું કે, શું આ બધું ઈરાનીની જાણ વગર થઈ રહ્યું હતું અને શું તેમના પ્રભાવ વિના લાઇસન્સ મળી ગયું હશે? તેમણે આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં મીડિયાના પ્રવેશને રોકવા માટે રેસ્ટોરન્ટની આસપાસ ખાનગી સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે પૂછ્યું કે અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે આ બધું કોના પ્રભાવમાં થઈ રહ્યું છે? આ ગેરકાયદે કામ પાછળ કોનો હાથ છે? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).