Face Of Nation (Special Report, Mahesana) : વર્ષ 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલને ગુજરાત રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનને કારણે મૃતપાય હાલતમાં રહેલી કોંગ્રેસમાં પ્રાણ ફુંકાવવાના શરૂ થઇ ગયા હતા. ભાજપ સરકારમાં પોલીસ દ્વારા થયેલા પાટીદારો ઉપરના લાઠીચાર્જ અને સરકારના જક્કી વલણને કારણે પાટીદારોએ ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું. જેને લઈને પાટીદારોએ ભાજપના ઘણા વિસ્તારોમાં ગાબડાં પાડીને કોંગ્રેસને સત્તા સોંપી હતી. આ તમામ વિસ્તારોમાં કેટલાક વિસ્તારો એવા પણ હતા કે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પાટીદાર ઉમેદવારો જ પસંદ કર્યા હતા તેમ છતાં પાટીદારોએ ભાજપને સાથ આપનારા તેમના સમાજના ઉમેદવારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને લીડથી જીતાડી મહત્વનો ભાગ ભજવ્યો હતો. આવો જ એક વિસ્તાર મહેસાણાનો ઊંઝા છે. આ વિસ્તારમાં પાટીદાર મતદારોની નિર્ણાયક ભૂમિકા રહેલી છે, તેથી અનામત આંદોલનને લઈ પાટીદારોએ વર્ષ 2017માં 1995થી ચાલી આવતી નારાયણ પટેલની જીતની પરંપરા તોડી હતી.
મહેસાણાના ઊંઝામાં વર્ષ 1995થી સતત જીત મેળવતા આવતા નારાયણ પટેલ ઉર્ફે કાકાને 2017માં અનામત આંદોલનને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. 1962થી અત્યાર સુધીમાં સૌથી વધુ લીડથી જીતનાર ઉમેદવાર તરીકે નારાયણ પટેલ બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને 1990માં ચીમનભાઈ જીવાભાઈ પટેલ હતા કે જેઓ 70,475 લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2002માં નારાયણ પટેલ 44,589 લીડથી જીતીને બીજા સ્થાને આવ્યા હતા. જે લીડ 2017માં આશા પટેલ પણ તોડી શક્યા નહોતા. વર્ષ 2012માં ભાજપના નારાયણ પટેલની સામે કોંગ્રેસમાંથી ડો. આશાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ નારાયણ પટેલ સામે 24,201 જેટલી લીડથી હારી ગયા હતા અને નારાયણ પટેલ સતત પાંચમી વખત ઊંઝા વિધાનસભા બેઠક ઉપર જીત્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનના પ્રવાહમાં તણાઈને પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ ડો. આશાબેન પટેલે ફરીથી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવીને કર્યો. આ આંદોલનને કારણે તેઓને પાટોદરોનો સાથ મળ્યો અને તેમની જીત થઇ. જો કે તે સમયે તેઓએ ફેસબુકના માધ્યમથી ઊંઝા મતવિસ્તારના મતદારોને સંબોધીને જાહેર કરેલો આ વિડીયો ઘણા બધા સવાલો ઉભા કરી જાય છે. વાત, જુના કે નવા વિડીયોની નથી પરંતુ સમય સમયે કાચિંડાની માફક રંગ બદલતા નેતાઓ પ્રજાને શું સમજી બેઠા છે તેનું ભાન કરાવવા આવા વિડીયો તેમને દેખાડવા પડતા હોય છે. 2017માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જે સરકાર વિરુદ્ધ ડો. આશાબેન પટેલ આક્ષેપો કરતા હતા તે જ સરકારના પક્ષમાંથી આજે તેઓ ઉમેદવાર બનીને ફરી એકવાર પ્રજાને વચનોની લ્હાણી કરીને જીતાડવા માટે અપીલ કરવા નીકળ્યા છે ત્યારે આ અપીલ શું ખરેખર પ્રજા સ્વીકારશે તે ચૂંટણી પરિણામો જ ઉજાગર કરશે.
ડો. આશાબેન, તમે 2017માં તમારી પ્રતિષ્ઠાથી નહીં પાટીદાર અનામત આંદોલનના કારણે જીત્યા હતા
વર્ષ 2017માં નારાયણ પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા ડો. આશાબેન પટેલ પાટીદાર અનામત આંદોલનને કારણે નારાયણ પટેલને 19,529 જેટલી લીડથી હરાવીને વિજેતા થયા હતા. ડો. આશાબેન તેમને પ્રતિષ્ઠાને કારણે વિજયી નહોતા બન્યા પરંતુ પાટીદારોના ભાજપ પ્રત્યેના આક્રોશનાં કારણે તેઓને સત્તા સ્થાને બેસવા મળ્યું હતું. આશાબેન પટેલે 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડતી વેળાએ અનેક આક્ષેપો ભાજપ વિરુદ્ધ કર્યા હતા છતાં તેઓ સમય આવ્યે પોતાના મતવિસ્તારમાં વિકાસ કરીને પરિવર્તન લાવવાને બદલે પોતાના વિકાસ માટે પોતાનામાં પરિવર્તન લાવીને ભાજપમાં ભળી ગયા હતા અને પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હતો. જેને લઈને હાલ સમગ્ર ઊંઝાની જનતામાં એક જ સુર ઉઠ્યો છે કે, આપણી સાથે વિશ્વાસઘાત કરનારને પરિણામ દેખાડવું જ પડશે. સમગ્ર ઊંઝામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે આશાબેન પટેલને હરાવીને ફરી એકવાર પાટીદારો તેમની શક્તિનો પરચો આપશે. જો કે ચૂંટણીના પરિણામો બાદ જ માલુમ પડે તેમ છે કે મતદારો કોની ઉપર ઓળઘોળ થાય છે ?
ઊંઝાની જનતાના અનેક સવાલોના જવાબો તમે પ્રચારમાં આપશો તેવી આશા રાખે છે
આશાબેન પટેલ, તમે મતદારોને જાહેર કરેલા 2017ના વીડિયો બાદ આજે ઊંઝાની જનતામાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. જેથી આ જ પ્રજા ફરીથી તમને કેમ તેમનો કિંમતી વોટ તમને આપે તેના જવાબો સાથે અનેક સવાલોના જવાબો તમારી પાસે મેળવવાના હક્કદાર છે. આશા રાખીએ કે, ભાજપના ઉમેદવાર તરીકે તમે પ્રચારમાં નીકળશો ત્યારે આ સવાલોના જવાબો પણ લોકોને આપશો.