Face Of Nation, Mahesana : લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષો અને તેના નેતાઓ પોતપોતાના સમીકરણો સેટ કરવામાં લાગ્યા છે જેના ભાગરૃપે હાલમાં વર્ષો જૂના નેતાઓમાં પોતાના જૂના પક્ષો છોડી નવા પક્ષોમાં જોડાવવાની હોડ જામી છે. મહેસાણાના ઊંઝામાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારને આયાત કરતા સિનિયર નેતાગીરીમાં પક્ષની કામગીરી વિરુદ્ધ રોષ ઉઠ્યો છે. પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદારોએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડીને કોંગ્રેસના આશાબેન પટેલને વિજયી બનાવ્યા હતા અને ઊંઝા મતક્ષેત્રના ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી હતી. જો કે કેટલાક કારણોસર આશાબેન પટેલે મતદારો સાથે દ્રોહ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભાજપમાં આશાબેન પટેલે તેમના અંગત સ્વાર્થ સારું પ્રવેશ લીધો હોવાની અનેક ચર્ચાઓ સ્થાનિકોમાં ઉઠી હતી. જો કે પાટીદાર સમાજ માટે એવી સ્થિતિનું નિર્માણ થયું કે, ભાજપ પક્ષને સબક શીખાડવા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડ્યા તો ખરા પરંતુ આ જીતેલા ઉમેદવાર ભાજપની લાઈનમાં જઈને બેસી ગયા. આશાબેન પટેલના આવા નિર્ણયે સમગ્ર ઉંઝાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે સાથે જ તેમની વિરુદ્ધ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ, ઊંઝામાં પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે ત્યારે ભાજપની ઊંઝા વિધાનસભા બેઠક જીતવાની આશા ઉપર કોંગ્રેસ જો ભવલેશ પટેલને ઉતારે તો પાણી ફરી જાય તેમ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો પરંતુ કોંગ્રેસે છેલ્લી ઘડીએ અન્ય ઉમેદવાર કામૂ પટેલને ટિકિટ આપી હતી જેને લઈને ભવલેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સમગ્ર ઊંઝામાં આશાબેન પટેલને ટક્કર આપવા માટે કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર ભવલેશ પટેલ હતા. હાલ ઊંઝાની મોટાભાગની જનતા આશાબેન પટેલની વિરુદ્ધમાં હોય તેવું લોકો માની રહ્યા છે. જેનું મુખ્ય કારણ આશાબેન પટેલે ભાજપમાં જોડાઈને મતદારો સાથે કરેલો દ્રોહ માનવામાં આવે છે. આશાબેન પટેલના આ જોડાણ માટે મોટી ડીલ થઇ હોવાની પણ અનેક ચર્ચાઓ ઉઠી છે. આશાબેન પટેલના ભાજપ પ્રવેશથી ઊંઝાના જુના જોગી એવા નારણ પટેલના વર્ચસ્વને પણ આંચકો લાગ્યો છે. ભાજપે સિનિયર નેતાની અવગણના કરીને કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને માનસન્માન આપતા જૂનાજોગીઓ લાલઘુમ બની ગયા છે. હાલના સમીકરણો અને ઊંઝાનું રાજકીય વાતાવરણ જોતા એમ લાગી રહ્યું છે કે, પ્રજા પોતાની સાથે થયેલા દ્રોહનો બદલો લેવા આશા પટેલને હારનો સ્વાદ ચખાડશે પરિણામે ફરી એકવાર ભાજપે ઊંઝા વિધાનસભાની સીટ ગુમાવવાનો વારો આવશે. આ ચર્ચાઓ કેટલી અસરકારક સાબિત થાય તે ચૂંટણી પરિણામો ઉપરથી જ માલુમ પડી શકે તેમ છે.