Face Of Nation 29-09-2024 : ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદરના ઝઘડાએ અનેક ચર્ચાઓ ઉઠાવી હતી. જો કે એક માસ્ટર માઈન્ડ યુવકે ઊંઝાના વેપારીઓમાં અંદરો અંદર દુશ્મનાવટ ઉભી કરાવીને તેની મેલી મુરાદ પાર પાડી. આ સમગ્ર આયોજન બદ્ધ કાવતરું આ યુવકે તેના અને તેના મળતિયાઓના લાભ માટે રચ્યું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ટ્રાન્પોર્ટેશનની આડમાં જીએસટી વિભાગને ખોટી અરજીઓ કરીને ઊંઝાના પ્રબોધ શર્મા નામના યુવકે કરોડોની કરચોરી કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ યુવકે અત્યાર સુધી મોટી રકમની કરચોરી કરીને સરકારને મોટી રકમનો ચૂનો ચોપડ્યો છે. જીએસટી વિભાગને અવળે પાટે ચઢાવીને પોતે બીલો વગરનો માલ ભરીને કરોડોની જીએસટી ચોરી કરીને બેનામી સંપત્તિ એકઠી કરી છે.
પરપ્રાંતીય અને ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી સ્થાયી થયેલા પ્રબોધ શર્મા નામના યુવાને તેની મેલીમુરાદ પાર પાડી નાની ઉંમરે પૈસા કમાવવા આયોજન બદ્ધ કાવતરું રચી કાઢ્યું હતું. આ કાવતરાને લઈને આ યુવક ઊંઝાના ટ્રાન્સપોર્ટરોની ટ્રકોની માહિતીઓ આપતો અને જીએસટી વિભાગના અધિકારીઓ આગળ ખોટી રીતે નનામા ફોન કોલ્સ કરીને તથા અરજીઓ કરીને અન્ય ટ્રાન્સપોર્ટરોની ટ્રકો પકડાવતો હતો. આ ટ્રક પકડાતાની સાથે જ શર્મા વેપારીનો સંપર્ક કરીને ખોટી માહિતીઓ આપી ડરાવતો હતો અને તેનો માલસામાન તેના ટ્રાન્સપોર્ટમાં સુરક્ષિત હોવાનું કારણ ધરીને તેને પોતાની પાસે ધંધો કરાવવા મનાવતો હતો. આમ, પોતાનો ધંધો ઉભો કરવા પોતે ખોટા બીલો બનાવીને ટ્રકો પસાર કરતો અને જીએસટી સહીત પોલીસ વિભાગને ગેરમાર્ગે દોરી અંધારામાં રાખતો હોવાની સનસનીખેજ માહિતીઓ પ્રકાશમાં આવી છે. આ યુવકે જીએસટી વિભાગના કમિશનર કરોડોનો હપ્તો લેતા હોવાના પણ આક્ષેપ કર્યા છે સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ પણ દારૂ સહીત જુગારમાં હપ્તા લેતા હોવાની ખોટી નનામી અરજીઓ ગૃહ વિભાગમાં કરીને પોલીસને પણ અંધારામાં રાખી તેના કામ પુરા કર્યા છે.
પ્રબોધ શર્માએ તેના ટ્રાન્સપોર્ટનો અને તેના અન્ય એક ટ્રાન્સપોર્ટનો પણ ખોટા બીલો બનાવવા ઉપયોગ કરીને કરોડોનો ચૂનો સરકારને લગાવ્યો છે. આ અન્ય ટ્રાન્સપોર્ટની કંપની તેના જ એક સગાના નામે છે અને તેમણે પણ મોટી માત્રામાં સરકારની કરચોરી કરી છે. જીએસટી વિભાગ દ્વારા શર્માના ટ્રાન્સપોર્ટની અત્યારસુધીની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે તો મસમોટી રકમનો પર્દાફાશ થાય તેમ છે. કેમ કે, આ યુવકે જીએસટી વિભાગ સહીત પોલીસ વિભાગને પણ બદનામ કરતા પત્રો લખીને ખોટા આક્ષેપો કરીને સમગ્ર ઊંઝાની શાંતિ ડહોળવાના અથાગ પ્રયાસ કર્યા છે અને તેનો માત્ર એક જ ઈરાદો હતો કે ઊંઝાના વેપારીઓ સહીત ટ્રાન્સપોર્ટરો અંદરો અંદર ઝઘડતા રહે અને તે તેનો ધંધો જમાવવામાં સફળ થઇ જાય. જો કે તેની આ મેલીમુરાદ પાર ન પડતા હાલ તેના કોલ રેકોર્ડિંગથી લઈને અરજીઓની ઝેરોક્ષો પણ વાયરલ થઇ છે. આ યુવકે કેટલીક અરજીઓ કરીને ઊંઝાના રાજકીય લોકોના નામોનો પણ ઉલ્લેખ કરીને તેમાં અંદરો અંદર તડાં પડાવ્યા હોવાની વાતો સામે આવી છે.
હાલમાં આ યુવકની સાથે રહેલા કેટલાક લોકોનો પણ ફેસ ઓફ નેશન પર્દાફાશ કરશે કે જેઓ વરિયાળીમાંથી જીરું બનાવનારા લોકોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડતા જ સેટિંગના નામે પહોંચી જાય છે. જો કે, સેટિંગ કરવા પહોંચનારા આ લોકો ખુદ સરકારી વિભાગને જાણ કરીને તોડ કરવાનું ષડ્યંત્ર બનાવે છે જેમાં વેપારીને ફસાવે છે. પ્રબોધ શર્મા અને તેની સાથે રહેલો અન્ય વ્યક્તિ ખુદ વરિયાળીમાંથી જીરું બનાવતા લોકો વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને માહિતી આપે છે અને સાથે મળીને તોડ કરાવતા હોવાની પણ સનસનીખેજ માહિતી જાણવા મળી છે. આ વિશેષ માહિતીનો પણ ફેસ ઓફ નેશન ટૂંક સમયમાં પર્દાફાશ કરીને ઊંઝાને બદનામ કરનારા તત્વોને ઉઘાડા પાડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).