પાલનપુરમાં NDRFના 33 જવાનોની ટીમ 3 દિવસ સ્ટેન્ડ બાય રહેશે, પાટણમાં પણ એક ટીમ તહેનાત કરાઇ
Face Of Nation:મહેસાણા: અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઘટી છે. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. તેમજ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.
7 દિવસથી ઝાપટા
આજે પણ છુટાંછવાયાં વરસાદી ઝાપટાંનો દોર યથાવત રહ્યો હતો. સોમવારે સતત છઠ્ઠા દિવસે મહેસાણા, ડીસા અને પાટણમાં ઝાપટાં વરસ્યાં હતાં. તો ઇડર, વડાલી અને હિંમતનગરમાં તેજ પવન સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.
બે જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
બીજી બાજુ મંગળવારે કચ્છના દરિયાકાંઠે ટકરાતાં ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરાઇ છે. પાલનપુર ખાતે આવેલી ટીમના કમાન્ડન્ટ રાઘવાએ જણાવ્યું કે, ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર સહિતના સાધનો સાથે 3 દિવસ માટે સ્ટેન્ડ બાય રહેશે.
24 કલાકાં હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે : હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં છુટાછવાયાં વરસાદની શક્યતા છે.