Face Of Nation 03-06-2022 : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ આત્મવિવાહ કરવાનો નિર્ણય કરતા ભારે ચર્ચા જાગી છે ત્યારે હવે આ લગ્નનો વિરોધ પણ થઇ રહ્યો છે. વડોદાર શહેર ભાજપ ઉપપ્રમુખે તો ત્યાં સુધી કહ્યું છે કે આ યુવતીના લગ્ન મહાદેવ મંદિરમાં તો શું પણ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં નહીં થવા દઉ. તો બીજતરફ સુનિતાબેન શુક્લએ જણાવ્યું હતું કે, આ એક વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે. જેણે આ મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય કર્યું છે, જેથી આ લગ્ન સામે મારો વિરોધ છે. આ લગ્ન નહીં પણ સમાજના બાળકોનું મગજ વિકૃત કરવાનું કૃત્ય છે. વડોદરા નગરીની વિશ્વમાં સંસ્કારની નગરી તરીકે ઓળખ છે. તેથી આ કૃત્ય સંસ્કારી નગરીને લાંછન લગાડવાનો પ્રયાસ છે. હિન્દુ વિરોધી કૃત્ય છે.
આ લગ્ન ભારતીય સંસ્કૃતિ-હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે
વડોદરાના સુભાનપુરામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી શમા બિંદુએ ભારતમાં પ્રથમ વખત આત્મવિવાહ એટલે કે પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા આ અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ કહ્યું છે કે, શમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી તે યોગ્ય નથી. યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ. સાથે જ વડોદરાના કોઇપણ મંદિરમાં પણ તેના લગ્ન નહીં થવા દઉં. લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે. જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ.
આપણે દરેક વ્યક્તિએ સહકાર આપવો જોઇએઃ શોભનાબેન
મહિલા સુરક્ષા સમિતિના ગુજરાતના ચેરપર્સન શોભનાબેન રાવલે જણાવ્યું હતું કે, યુવતીને જે યોગ્ય લાગ્યું તે કરી રહી છે અને તેને આટલો મોટો નિર્ણય કર્યો છે. આપણે દરેક વ્યક્તિએ સહકાર આપવો જોઇએ.
ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે
વડોદરા શહેરની 24 વર્ષની શમા બિંદુ આગામી 11મી જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે શમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. શમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માગતી હતી, જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).