Home Uncategorized તબીબોની હડતાળના લીધે બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ, ‘ભાઇના મોત માટે કોણ...

તબીબોની હડતાળના લીધે બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ, ‘ભાઇના મોત માટે કોણ જવાબદાર? સરકાર કે તબીબો’

Face Of Nation, 09-08-2021 : રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડોદરામાં નવાયાર્ડમાં રહેતા 19 વર્ષના રાહુલ જાદવ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો, પણ તબીબો હડતાળ પર હોવાથી રાહુલને યોગ્ય સારવાર ના મળતા તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહુલની બહેને રક્ષાબંધન પહેલા એકનો એક ભાઈ ગુમાવતા પરિવારના શોકનો માહોલ છે.

વડોદરાના નવાયાર્ડમાં આવેલ રમણીક ચાલમાં રહેતા 19 વર્ષના યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર તેમના મિત્રને ચકકર આવતા હોવાથી રાત્રે બાઈક પર બેસી દવા લેવા ગયા હતા. જ્યાં ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેના મિત્ર દિવ્યાંગ પરમારને સામાન્ય ઈજા પહોંચી હતી.

રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ રાહુલની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, જેથી પરિવારના સભ્યો રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાહુલ જાદવની તબીબોએ 8 કલાક સુધી સારવાર ન કરી. તબીબો હડતાળ પર હોવાથી સારવાર માટે કોઈ ડોકટર જ ના મળ્યા. ત્યારબાદ પરીવારને તબીબોએ રાહુલને અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું, જેથી પરિવાર રાહુલને ફરીથી વડોદરા લઈ આવ્યું, અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. પણ માથામાંથી લોહી વધુ વહી ગયું હોવાથી રાહુલ જાદવનું મોત નિપજ્યું હતું.

મૃતક રાહુલની પિતરાઈ બહેન વૈશાલી ચૌહાણ કહે છે કે તબીબોની હડતાળ હોવાના કારણે મારા ભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળી. જેના કારણે તેનું મોત નિપજ્યું છે. તબીબોને વિનંતી છે કે તે માનવતાનો ધર્મ અપનાવે.

મૃતક રાહુલનો પિતરાઈ ભાઈ વિશાલ પરમાર કહે છે કે તબીબો હડતાળ પર હોવાથી રાહુલને સમયસર અને યોગ્ય સારવાર ના આપી જેથી તેનું મોત નિપજ્યું હતું. રાહુલ પરિવારમાં એકનો એક દીકરો હતો, તેની માતા પણ નથી. પિતા છે પણ કંઈ કમાવતા નથી. રાહુલ એકલો જ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો. પણ હવે ઘરનું ગુજરાન કોણ ચલાવશે તે પરિવાર માટે સૌથી મોટો સવાલ છે.

મહત્વની વાત છે કે રાહુલના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારના તમામ સભ્યો રડી રહ્યા છે. સાથે જ તબીબોને હડતાળ સમેટી લઈ ડોકટરનો ધર્મ નિભાવવાની વિનંતી કરે છે. મહત્વની વાત છે કે ડોકટરને ભગવાન માનવામાં આવે છે, પરંતુ આજ ડોકટર પોતાની માંગોને લઈ હડતાળ પર ઊતરતાં દર્દીઓ બેસહારા થયા છે. ત્યારે દર્દીઓનો સહારો કોણ બનશે તે સૌથી મોટો સવાલ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)