Home Gujarat 3 દિવસમાં સિઝનનો 30% વરસાદ; આજે સવારે 4 વાગ્યા સુધીમાં પાલડી, એલિસબ્રિજ...

3 દિવસમાં સિઝનનો 30% વરસાદ; આજે સવારે 4 વાગ્યા સુધીમાં પાલડી, એલિસબ્રિજ અને વાસણામાં 18 ઇંચ ખાબક્યો વરસાદ; આજે શાળા-કોલેજો બંધ!

Face Of Nation 11-07-2022 : અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. સતત 4 કલાક સુધી અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યા બાદ મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો છે. જેમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે.
લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા
સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા છે. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે.
પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે.
છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ
હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
નહેરુનગરથી માણેકબાગનો BRTS રૂટ બંધ કરાયો
દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે અનેક અમદાવાદીઓ હજી પણ ફસાયા છે.
મ્યુનિસિપલ કમિશરે બોલાવી બેઠક
શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.
પાણી ભરાતા શહેરમાં 5 અંડરબ્રિજ બંધ કરાયા
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).