એસોચેમના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ સંજય શર્માએ કહ્યું- અમને વિશ્વાસ છે કે નાણા મંત્રાલય દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે સલાહ-સૂચન કરીને તેની પ્રપોઝલ તૈયાર કરશે
Face Of Nation:નવી દિલ્હી: રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે, આ વર્ષે બજેટમાં એસ્ટેટ ડ્યૂટી અથવા ઈન્હેરિટન્સ ટેક્સ ફરીથી લગાવવામાં આવી શકે છે. વિપક્ષ આ વાતનો વિરોધ કરી રહી છે જ્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, તેનાથી સામાજિક વિષમતા ઘટી છે. હાલ સરકાર સામે પૈસા ભેગા કરવાનો પડકાર છે. સોમવારે આવેલા આંકડાઓ દર્શાવે છે કે બે મહિનામાં જેએસટી કલેક્શનમાં માસિક અંદાજે રૂ. 14,000 કરોડનો ઘટાડો થયો છે. નાણા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એપ્રિલ 2019માં કુલ GST કલેક્શન 1,13,865 કરોડ થયું હતું જ્યારે મે 2019માં 1,00,289 થઈ ગયું છે અને જૂન 2019માં તે ઘટીને 99.939 કરોડ થઈ ગયું છે. પરિણામે હવે નવા રોકાણ વધારવા માટે જરૂરી રસ્તાઓ શોધી રહેલી સરકાર એસ્ટેટ ડ્યૂટી અથવા ઈન્હેરિટેન્સ ટેક્સ ફરી લાદવાનો વિચાર કરી રહી છે. આ ટેક્સ હકિકતમાં પૈતૃક સંપત્તિ પર લેવામાં આવે છે. આ ટેક્સ 1985માં ખતમ થઈ ગયો હતો.
આ મુદ્દે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા નીતિ આયોગમાં જમીન મામલે અધ્યક્ષ ટી હકનું કહેવું છે કે, ભારતમાં અત્યારે 1 ટકા લોકોને 58 ટકા સંપત્તિ વારસામાં મળેલી હોય છે. તેથી તેમના પર ઈન્હેરિટેન્સ ટેક્સ લેવો જોઈએ. ભારતમાં ટેક્સ જીડીપી રેશિયો ખૂબ ઓછો છે. તેથી તેને વધારવો જરૂરી છે. તેનાથી ભારતમાં સામાજિક અસમાનતા ઘટાડવામાં મદદ મળે છે.
એસોચેમના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ સંજય શર્માએ કહ્યું છે કે, નાણાવિભાગ દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે સલાહ-સૂચન કરીને તેની પ્રપોઝલ તૈયાર કરશે. જોકે સવાલ એ વાતનો છે કે, જો આ પ્રસ્તાવને બજેટમાં સામેલ કરવામાં આવશે તો વિપક્ષને મંજૂર હશે કે નહીં. અમુક વિપક્ષી સાંસદોનું માનવું છે કે, જે ટેક્સ 1985માં ખતમ થઈ ગયો છે તેને ફરી લાગુ કરવો ખોટી વાત છે. સરકારે ટેક્સ કલેક્શન વધારવા માટે નવા વિકલ્પો વિશે વિચાર કરવો જોઈએ. નવા ટેક્સ ન લગાવવા જોઈએ.
કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાનું કહેવું છે કે, 34 વર્ષ પછી આ ટેક્સને ફરી લાગુ કરવો ખોટી વાત છે. આ મોદી સરકારને મળેલા બહુમતનું અપમાન કરવા જેવું અને લોકોને દગો આપવા જેવી વાત છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનનું કહેવું છે કે, 1985માં ઈન્હેરિટન્સ ટેક્સ ખતમ કરી દીધો તે શું ખોટી વાત નહતી.