Face Of Nation:જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. પરંતુ ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે. મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતા છે. પહેલી બે કલાકમાં 8.77 ટકા જ મતદાન નોંધાયું છે. જાંજરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો. આથી લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું
14 વોર્ડોમાં વસતા 2,22,429 જૂનાગઢવાસીઓ 277 મતદાન મથકો પર જઇ પોતપોતાનો સેવક ચૂંટી કાઢવા મતદાન કરી રહ્યા છે. જો કે, 15,595 મતદારો મત આપવા નહીં જાય તેવું જાણવા મળ્યું છે. વોર્ડ નં. 3નાં આ મતદારો હવે પછી આવનાર અહીંની 1 બેઠક માટેની પેટા ચૂંટણીમાં મતદાન કરશે. કારણ કે અહીં 3 બેઠકો બિન હરીફ થઇ ગઇ છે. જ્યારે 1 બેઠક માટેના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થયું હોવાથી તેની પેટા ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. 11 માં 20,215 છે. આ વોર્ડમાં સૌથી વધુ 25 બુથ છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 12 માં 12,283 છે. અહીં સ્વાભાવિકપણે જ સૌથી ઓછા 15 બુથ છે. આખા જૂનાગઢમાં 92 સેવા મતદારો છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં. 13માં 15 આ પ્રકારનાં મતદારો છે. જૂનાગઢમાં આ 92 પૈકી 2 મહિલા સેવા મતદારો પણ છે. જે વોર્ડ નં. 6માં નોંધાયેલા છે.