મહિલાના મોઢા પર પંજા મારતા આંખમાં ઇજા
દીપડાએ અચાનક આવીને હુમલો કરી દીધો
Face Of Nation:તાપી: વ્યારા તાલુકો દીપડાઓ માટે રહેવાનું સ્થળ બની ગયું છે. દીપડાઓ પાલતુ પશુઓના શિકાર બાદ હવે માનવજીવ પર હુમલો કરતા ફફડાટ ફેલાયો છે. શુક્રવારના ખુશાલપુરા ગામની 35 વર્ષીય મહિલા તેની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપતા હતા, જ્યાં અચાનક કદાવર દીપડાએ અચાનક મહિલા પર હુમલો કર્યો હતો. સામે મહિલા પણ દાતરડાથી પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો. જોકે, મહિલાને મોઢાના ભાગે અને આંખની બાજુમાં ઇજા થઇ હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.
દીપડાએ અચાનક આવી હુમલો કરી દીધો
મારી વહુ સાથે ખેતરમાં ઘાસ કાપતા હતા, તે દરમિયાન અચાનક દીપડો આવી મારી વહુ પર હુમલો કર્યો હતો. વહુએ સામે હિંમતથી લડી હતી, જેથી દીપડો નજીક ખેતરડીમાં ભાગી હતો. આ ઘટના પછી હવે ઘાસ કાપવા જવામાં પણ બીક લાગી રહી છે.
દીપડા અચાનક હુમલો કરવા પાછળનું કારણ
દીપડાઓને હાલ ખોરાક પાણીની સુવિધા મળી જતી હોવાથી ખોરાક માટે હુમલો કરતા નથી પરંતું આ સિઝનમાં ખેતરોમાં ઘર કરીને બેઠા હોય છે. અચાનક કોઇ સીધા પહોંચી જાય તો, હુમલો કરતા હોય છે. હુમલો 90 ટકા દિપડી કરે છે. મેટીંગ પિરીયડ પૂરો થયો હોવાથી હાલ મોટા ભાગે ગર્ભવતી બનતા પોતાના બચ્ચાની સલામતી માટે હુમલો કરતા હોય છે