Home Uncategorized ભગવાન ઝંખે છે પ્રાણપ્રતિષ્ઠા ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની એવી કઈ...

ભગવાન ઝંખે છે પ્રાણપ્રતિષ્ઠા ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની એવી કઈ જીદ કે જેના કારણે હરિભક્તોમાં થયો વિવાદ, જાણો

Face Of Nation, 30-10-2021 : દરેક દેશની પ્રજા ભગવાનમાં માનતી હોય છે. કોઈક ભગવાનને, કોઈક અલ્લાહને, કોઈ ઈશુ ખ્રિસ્તને તો કોઈ ગુરુદ્વારામાં માને છે. આ તમામ ધર્મમાં એક વાત એક સરખી છે કે, ભગવાને માણસ બનાવ્યો અને આ દુનિયાનું સંચાલન પણ ભગવાન જ કરે છે. ઠેર ઠેર મંદિરો બનાવીને તેમાં ભગવાનની સ્થાપના વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. ખેર ! આ બધી સામાન્ય અને સૌ જાણે છે તેવી વાત છે પણ અત્યારે એક એવી આશ્વર્યજનક વાત સામે આવી છે કે જેને જાણીને સૌ કોઈને સવાલ ઉભો થાય. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવેલ નવાવાડજ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા બહેનોનું અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયું છે પરંતુ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે હજુ સુધી તેને ખુલ્લું મુકવામાં આવ્યું નથી. તો બીજી બાજુ હરિભક્તોમાં ચાલતી ચર્ચા મુજબ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના વડા અને આચાર્ય એવા કૌશલેન્દ્ર પ્રસાદ પાંડેની “મંદિર લખી આપવાની” જીદને કારણે હાલ ભગવાનની પ્રતિષ્ઠા વિલંબમાં મુકાઈ છે.
અમદાવાદના નવાવાડજ કૃષ્ણનગર ખાતે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં જ હરિભક્તોએ દાન ઉઘરાવીને નવું બહેનોનું મંદિર બનાવ્યું છે. જે મંદિર હાલ સંપૂર્ણ પણે તૈયાર થઇ ગયું છે પરંતુ તેમાં ભગવાન પોતાના સ્થાને બિરાજવા માટે રાહ જોઈ રહ્યા છે. હરિભક્તોમાં ચાલતી ચર્ચા મુજબ, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ પાંડે એવી જીદ ઉપર ઉતર્યા છે કે, બહેનોનું અને ભાઈઓનું મંદિર કાલુપુર સંસ્થાને માલિકી હેઠળ લખી આપવામાં આવશે તો જ તેઓ ભગવાનની સ્થાપના કરવા આવશે. હરિભક્તોનું એક જૂથ આ બાબતનો વિરોધ કરી રહ્યું છે કે, મંદિર એ બાપદાદાની મહેનતથી તૈયાર થયું છે તેને હવે આચાર્યની શરત સાથે સહમત થઈને કાલુપુર સંસ્થાને લખી આપવામાં ન આવે. આચાર્ય જો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર ન હોય તો કોઈ સાધુ કે બ્રાહ્મણને બોલાવીને મંદિરની પ્રતિષ્ઠા કરી દેવામાં આવે અને બીજુ જૂથ એટલે કે આચાર્યનું જૂથ એમ કહી રહ્યું છે કે, આપણા ધર્મના વડા કહે તેમ આપણે એમને મંદિર લખી આપીએ. કેમ કે, આચાર્ય મહારાજના શબ્દો જ સર્વસ્વ છે. જો કે હાલ, આચાર્યની જીદ અને હરિભક્તોના વિવાદ વચ્ચે ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે તે એક આશ્વર્યજનક બાબત છે.
જો કે આ તમામ ચર્ચાઓ સાચી હોય તેમ કહેવામાં કોઈ બે મત પણ નથી. કેમ કે, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે કોરોનાકાળ બાદ એટલે કે, છેલ્લા મહિનાઓમાં કેટલાક મંદિરોમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેવામાં કેમ આ મંદિરની જ પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી નથી તે સવાલ જ આ ચર્ચા સાચી હોવાની સાબિતી પુરે છે. આચાર્યને સહયોગ આપનારા જૂથના લોકોએ કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં થોડા સમય અગાઉ રામ સ્વામીની આગેવાનીમાં આ મામલે મીટીંગ કરી હોવાનું પણ ચર્ચાય છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો ન હોવાની માહિતી મળી છે. આશા રાખીએ કે આ મામલો જલ્દીથી ઉકેલાઈ જાય અને ભગવાન તેમના સ્થાને બિરાજમાન થાય. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ફેસ ઓફ નેશનનો કોઈ ઈરાદો નથી પરંતુ ભગવાનની પ્રતિષ્ઠા માટે ધર્મના અનુયાયીઓ ધર્મના વડાની હાજરીની અપેક્ષા રાખતા હોય ત્યારે ધર્મના વડાએ પહેલા ભગવાનની સ્થાપનાને પ્રાથમિકતા આપવી વધુ જરૂરી બની જાય છે. ભગવાનની સ્થાપના બાદ પણ તેમના મંદિરો લખી આપવાના વિવાદો ચાલશે તેને અડચણ નહીં આવે પરંતુ હાલ મંદિર લખી આપવાના વિવાદ વચ્ચે ભગવાનની સ્થાપનાને અડચણ આવી રહ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ફેસ ઓફ નેશનના આ અહેવાલ બાદ કોરોના સહીત અનેક કારણો પ્રતિષ્ઠા અટકી હોવા પાછળ ધરી દેવામાં આવે પણ પડદા પાછળની સત્ય હકીકત એ જ છે કે, મંદિરની માલિકી માટે થઈને ભગવાનની સ્થાપના વિલંબમાં મૂકી દેવામાં આવી છે જે યોગ્ય નથી. જે મંદિરમાં ભગવાન ખુદ પ્રાણ પ્રતિષ્ઠાના વિવાદમાં હોય તેનો ઉકેલ કોણ કરે તે પણ એક સવાલ છે. માણસને તકલીફ પડે ત્યારે તે ભગવાન જોડે રજુઆત કરવા જાય છે પણ હવે આજ ખુદ ભગવાન મંદિરની ચાર દીવાલો વચ્ચે કેદ થઇ ગયા છે ત્યારે તે કોને ફરિયાદ કરવા જશે ? “વાંચો આવતી કાલે : જો સાધુઓ પ્રતિષ્ઠા કરવા આવે તો તેમના ધોતિયા ખેંચી લેવાની મહિલા હરિભક્તે આપી ચીમકી !” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતીઓને AMA ની ગંભીર ચેતવણી, ભારે પડી શકે છે આ દિવાળી

ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઇ સરકારે બહાર પાડ્યું જાહેરનામું, અહીં તો ફોડાશે જ નહીં