Home World ‘પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાનીઓનો ખાતમો, 40 કેદમાં’, જાણો કોને...

‘પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાનીઓનો ખાતમો, 40 કેદમાં’, જાણો કોને કર્યો દાવો

તાલિબાન એક બાજુ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેના સંચાલનનો દાવો કરી રહ્યું છે. ત્યાં બીજી બાજુ સતત તાલિબાનીઓ દ્વારા પંજશીર વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે.

ટ્વિટર પર નોર્ધર્ન અલાયન્સ તરફથી દાવો કરાયો છે કે ગત રાતે ખાવકમાં હુમલા માટે આવેલા 350 જેટલા તાલિબાનીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. જ્યારે 40થી વધુ તાલિબાનીઓને કબજામાં લીધા છે. NRF ને આ દરમિયાન અનેક અમેરિકી વાહનો અને હથિયારો મળ્યા છે.

આ અગાઉ આવેલી જાણકારી મુજબ મંગળવારે રાતે પણ તાલિબાને પંજશીરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જ્યાં તેનો મુકાબલો નોર્ધર્ન અલાયન્સના ફાઈટર્સ સાથે થયો. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્વારા કરાયેલી ટ્વીટ મુજબ અફઘાનિસ્તાનના પંજશીરના એન્ટ્રન્સ પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાનીઓ અને નોર્ધર્ન અલાયન્સના ફાઈટર્સ વચ્ચે અથડામણ થઈ. એટલું જ નહીં તાલિબાન દ્વારા અહીં એક પુલ ઉડાવવાના પણ ખબર હતા.

આ અગાઉ સોમવારે રાતે પણ તાલિબાન અને નોર્ધર્ન અલાયન્સના યોદ્ધાઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. લગભગ 7-8 તાલિબાનીઓ માર્યા ગયા હોવાના ખબર હતા. અત્રે જણાવવાનું કે પંજશીર હજુ પણ તાલિબાનના કબજાથી દૂર છે. અહીં નોર્ધર્ન અલાયન્સ અહેમદ મસૂદના નેતૃત્વમાં તાલિબાન વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે

અહેમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તી દ્વારા પણ તાલિબાન સાથે થયેલી લડાઈની પુષ્ટિ કરાઈ હતી. ફહીમના જણાવ્યાં મુજબ સોમવાર રાતે પંજશીરમાં તાલિબાને હુમલો કર્યો અને ઘૂસણખોરીની કોશિશ થઈ હતી. પરંતુ તેને સફળતા ન મળી. તાલિબાન અગાઉ પંજશીર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કર્યું હતું. જો કે ત્યારબાદ તેને શરૂ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે 30 ઓગસ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ છોડી દીધુ. હવે અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાલિબાનનો કબજો છે. તાલિબાન દ્વારા જલદી અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવામાં આવશે. તાલબાનના મોટા નેતા કંધારમાં હાજર છે. જે જલદી કાબુલ પહોંચી શકે છે. ત્યારબાદ સરકાર બનવાની પ્રક્રિયા શરૂ  થશે