Face Of Nation:અમદાવાદ શહેરના અખબારનગર અને કોતરપુર પાસે મેઈન લાઈનમાં લીકેજના રિપેરિંગ કામને લઈને આગામી બે દિવસ સુધી પાણી કાપનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે. જેને પગલે શહેરના 75 ટકા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદના અખબારનગર અંડર પાસ પાસે 1600 મીમી પાણીની લાઈનમાં પણ લીકેજ રીપેરિંગ કામ ચાલી રહ્યું છે. તેવી જ રીતે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઈસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં લીકેજ સર્જાયુ છે તેનું પણ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. જ્યારે સરદારનગર અને વાડજમાં નવા જોડાણની કામગીરી ચાલુ રહેતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે.જેના પગલે શહેરમાં સોમવારે સાંજે અને મંગળવારે સવારે પાણી કાપ રહેશે.. શહેરના અલગ અલગ પાંચ ઝોનમાં પાણીકાપની અસર થશે જેમાં પશ્ચિમ વિસ્તારના પાલડી, વાસણા, નારણપુરા, રાણીપ, સાબરમતી, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં જ્યારે પૂર્વ વિસ્તારના જમાલપુર, દરિયાપુર, બાપુનગર, ગોમતીપુર, સરદારનગર, નરોડા, વટવા, સરસપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણીકાપની અસર જોવા મળશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનમાં લીકેજના રિપેરિંગ અને નવા જોડાણની કામગીરીને પગલે શહેરના 75 ટકા વિસ્તારમાં પાણીકાપનો નિર્ણય કર્યો છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં પાણીકાપની અસર વર્તાય તો નવાઈ નહિ.