Face Of Nation 17-04-2024 : ગાંધીનું ભારત આજે લોકશાહીમાંથી મોદીશાહીમાં પ્રવેશી ગયું છે. જ્યાં મોદીની ઈચ્છા મુજબ જ લોકો કાર્ય કરે છે. સરકારી તંત્રથી માંડીને મીડિયા સુધીના તમામ લોકોમાં ડર ઘુસાડી દેવામાં આવ્યો છે. જો કોઈ ભાજપ વિરુદ્ધ કે મોદી વિરુદ્ધ બોલ્યું તો ભારતના સરકારી અધિકારીઓ જાણે મોદીનું ઋણ ચુકવતા હોય તેમ એડીચોટીનું જોર લગાવી વિરોધીઓના અવાજનો નાશ કરી નાખે છે. લોકશાહીમાં સત્તાને પ્રશ્ન કરવાનો કે સત્તા વિરુદ્ધ બોલવાનો અધિકાર અને હક્ક પ્રજાને અબાધિત રહેલો છે તેમ છતાં આ હક્ક ઉપર આજે તરાપ મારી દેવામાં આવી છે. ડરપોક ભાજપની આપખુદ્શાહી લોકોને શામ,દામ અને દંડનો ઉપયોગ કરીને દબાવી રહી છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કાંડમાં સંડોવણી બતાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, જો ખરેખર અરવિંદ કેજરીવાલ દોષિત હતા તો પછી કેમ ચૂંટણી સુધી ધરપકડની રાહ જોવામાં આવી ? હકીકતમાં ડરપોક મોદી અને ભાજપ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયા અને ચૂંટણીમાં તે કોઈ અસર ન કરે તે માટે તેમને જેલમાં ધકેલી દીધા. આ વાત ભારતની પ્રજા ખુબ સારી રીતે સમજી ગઈ છે કે, ભાજપ હવે દાદાગીરીથી શાસન કરી રહી છે. કેમ કે મોદીને હવે સત્તાનો નશો ચઢી ગયો છે અને આ નશો પૂરો કરવા તે કોઈ પણ હદે જઈ શકે છે તેમ છે કહેવામાં કોઈ બે મત નથી.
હાલ ભારતમાં ચૂંટણીનો માહોલ છે. જો કે આ ચૂંટણીમાં ભાજપ જ જીતશે તેવું મોટાભાગે સૌ કોઈનું અનુમાન છે કેમ કે હવે ભારતની મોટાભાગની પ્રજા એ વાતમાં વિશ્વાસ કરતી થઇ ગઈ છે કે, ઈવીએમ મશીનમાં ચેડાં કરીને ભાજપ જીત મેળવે છે પણ કોઈ કશું ઉખાડી શકે તેમ નથી. આ બાબતે અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચથી લઈને કોર્ટોના દ્વાર ખટખટાવ્યા છે પણ તેની કોઈ અસર થઇ નથી. ચૂંટણી પંચ મશીનને યોગ્ય ઠેરવી રહ્યું છે અને કહે છે કે, મશીનમાં કોઈ પણ પ્રકારના ચેડાં શક્ય નથી તો બીજી તરફ મશીનમાં કેવી રીતે ચેડાં શક્ય છે તેના વિડીયો પણ યુ ટ્યુબમાં જોવા મળે છે સાથે કેટલીય રાજકીય પાર્ટીઓના લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં ઈવીએમ સાથે થતા ચેડાં દેખાડ્યા છે છતાં આ બધી બાબતો ઉપર ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. ખેર ! આજે વાત કરીએ ભાજપ અને મોદીની આપખુદશાહીની તો ભારતભરના મોટાભાગના લોકો હવે મોદી અને ભાજપથી ડરની લાગણી અનુભવી રહ્યા છે. પોતે સ્વતંત્ર ભારતમાં ન જીવી રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ધરપકડ કરીને જેલમાં નાખી દેતા હોય તો આમ જનતાની શું ઓકાત ? દારૂ કાંડને આગળ ધરીને અરવિંદ કેજરીવાલને ચૂંટણી ટાણે જ જેલમાં નાખીને ભાજપે વધુ એક વાર સાબિત કરી નાખ્યું છે કે, તે સૌથી ડરપોક પાર્ટી છે અને શાસન માટે કોઈ પણ હદે જઈ શકે તેમ છે. હાલમાં સરકારી અધિકારીઓ પણ ભાજપી થઇ ગયા છે અને ઉપરથી આદેશ આવે તે પહેલા ભાજપ વિરુદ્ધ કે મોદી વિરુદ્ધ બોલનારને જેલમાં ધકેલી ભાજપ અને મોદીની ગુડબુકમાં આવી જાય છે. ખેર ! જો આમ જ ચાલ્યું તો દિવસે દિવસે ભારતમાંથી લોકશાહી સંપૂર્ણ ખતમ થઇ જશે અને માત્ર એક હથ્થુ શાસન થઇ જશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).