Home News ગમે તેવા દુઃખો દૂર કરવાની જાહેરાતો કરનારા તાંત્રિકો કોરોનાના કેરથી બચવા પોતાના...

ગમે તેવા દુઃખો દૂર કરવાની જાહેરાતો કરનારા તાંત્રિકો કોરોનાના કેરથી બચવા પોતાના વતન જતા રહ્યા

ફેસ ઓફ નેશન, વિશેષ અહેવાલ (ધવલ પટેલ) : સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં જાહેરાતો થકી કોઈ પણ કામ કરી આપવાના દાવા કરનારા અને પોતાની જાતને અઘોર તાંત્રિક કે મહાન તાંત્રિક ઓળખાવનારા લોકો ખુદ આજે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોરોનાના કાળા કેરની સામે પોતે શક્તિમાન હોય તો તેને કાબુમાં લેવાની તાંત્રિક વિધિ કરીને પોતાની જાતને સાબિત કરવાને બદલે લેભાગુ જ્યોતિષીઓ પોતાની હાટડીઓ બંધ કરીને પોતાના વતન નાસી ગયા છે.
અખબારોમાં અપાતી જાહેરાતોમાં કરવામાં આવતા દાવાથી ભલભલા લોકો છેતરાઈ જાય છે જો કે મંદિરોની આડમાં કેટલાક ભૂવાઓ પણ લોકોની આસ્થા સાથે રમત રમીને દુઃખ દર્દ દૂર કરવાની વાતો કરતા હોય છે ત્યારે વિશ્વના તમામ લોકો અને ખુદ ભગવાનને કોરોનાના કારણે કેદ થવાનો વારો આવ્યો છે ત્યારે આવા જ્યોતિષીઓ અને ભૂવાઓને જાહેરમાં લાવીને કોરોનાનો કાયમી ઈલાજ કરાવવો જોઈએ.
કોરોના જેવા વાઇરસે આજે લોકોમાં જબરદસ્ત ગભરાટ ફેલાવી દીધો છે ત્યારે દેશ વિદેશની સરકારો, વૈજ્ઞાનિકો અને ડોકટરો આ મહામારીમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. રોજબરોજ લોકો જેની આગળ પોતાનું માથું ટેકીને તેમની ધાર્મિક આસ્થા સાથે રમત રમવાની પરવાનગી આપી દે છે તેવા ધાર્મિક ગુરુઓ, જ્યોતિષીઓ, ભૂવાઓ આજે કોઈ કામમાં આવી રહ્યા નથી. આજે આ લોકો ક્યાંક લપાઈને શાંત બેસી ગયા છે.
આજે આ કપરી પરિસ્થિતિમાં ડોકટરો, વૈજ્ઞાનિકો, પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ જ ખરા અર્થમાં લોકોની સેવા માટે અને લોકોના માથે આવી ચડેલા કોરોનાના કેરથી મુક્ત કરવા મહેનત કરી રહ્યા છે છતાં આપણે ક્યારેય આવા ડોકટરો, વૈજ્ઞાનિકો, પોલીસો કે હોસ્પિટલના સ્ટાફના લોકોને પગે લાગવાનું મુનાસીબ માનતા નથી અને ધતિંગ કરનારા, ભૂત ભુવા કરનારા, તાંત્રિક વિધિ કરનારા જ્યોતિષીઓ, ભૂવાઓ અને ધર્મગુરુઓના પગ ધોઈને પાણી પી જઈએ છીએ. ખરેખર તો આવી મહામારી એ પણ સંદેશ આપે છે કે, અંતે માણસાઈ અને માણસ જ માણસને મુસીબતમાં સાથ સહકાર આપે છે બાકી વિધિથી કોઈ સારા નથી થઇ જતા કે વિધિથી કોઈ મહામારીમાંથી ઉગરી નથી શકતા.

(આ લેખથી કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી)

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે