Home Religion જનતાને જરૂર છે ત્યારે ક્યાં ગયા ધર્મના નામે ધર્મશાળા અને મંદિરોની વિશાળ...

જનતાને જરૂર છે ત્યારે ક્યાં ગયા ધર્મના નામે ધર્મશાળા અને મંદિરોની વિશાળ જગ્યાઓ માટે દાન ઉઘરાવનારાઓ ?

Face Of Nation Special Report (Dhaval Patel), 15-04-2021 : આજે જનતા કોરોનાની મહામારીમાં સપડાઈ છે ત્યારે મદદ જંખી રહી છે. ધર્મના નામે કરોડો રૂપિયા ઉઘરાવનારાઓ આજે દેખાતા નથી. જે જે લોકોએ મંદિરોમાં દાન કર્યા તે દાનનો ઉપયોગ આજે જનતા માટે થઇ રહ્યો નથી. કરોડોના ખર્ચે મંદિરો, મસ્જિદો, ચર્ચો બનાવ્યા પરંતુ આખરે જરૂર હોસ્પિટલોની જ પડી. મંદિરો બનાવવા પાછળ દાન કરીને વાહવાહી મેળવવા કરતા હોસ્પિટલ બનાવવા દાન આપીને કોઈની જિંદગી બચાવી હોય તો દાન કામનું અને લેખે લાગ્યું ગણાય. ખેર ! જગ્યા ત્યારથી સવાર. આજની પરિસ્થિતિ બાદ નક્કી કરજો કે દાન જરૂરિયાતમંદ લોકોને અથવા તો ગામ કે શહેરમાં હોસ્પિટલ બનાવવા માટે આપીશું, મંદિર માટે નહીં. ભગવાનની પૂજા તો હોસ્પિટલમાં પણ થઇ શકશે પણ મંદિરમાં હોસ્પિટલ ઉભી નહીં થઈ શકે.
માણસોએ જે મંદિરો અને ધર્મસ્થાનો સહીત સેવા ટ્રસ્ટોના નામે કમાણી કરતા લોકોને કરોડો રૂપિયા આપ્યા છે તે તમામ પૈસાદાર મંદિરો અને ધર્મસ્થાનોનું દાન આજે રાષ્ટ્રસેવાને સમર્પિત કરી દેવું જોઈએ. જો કોઈ મંદિર, ધર્મસ્થાન કે ટ્રસ્ટ દાન ન આપે તો સરકારે ફરજીયાત તેના દાનની રકમમાંથી કેટલીક રકમ નક્કી કરીને રાષ્ટ્રહિતના કામે લઈ લેવું જોઈએ જેથી દેશના અર્થતંત્રને પણ ફટકો પડે નહીં અને પ્રજાએ આપેલું દાન આજે ખરા અર્થમાં પ્રજા માટે વપરાય. આપણા દેશના અબજોપતિ મંદિરોની એટલી તાકાત છે કે લોકોને ઘરે બેઠા વિનામૂલ્યે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોકલાવી શકે પરંતુ આજે જયારે દેશ સામે આફત આવીને ઉભી છે અને મનુષ્ય નામ માત્રને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો છે ત્યારે આવા કોઈ ધાર્મિક ટ્રસ્ટ, મંદિર કે સંસ્થા આગળ આવીને તેની નૈતિક ફરજ નહીં અદા કરે.
વિશ્વના દરેક વ્યક્તિઓ તેમની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ કે આસ્થા સાથે જોડાઈ શકે છે, તેમાં તેની યથાશક્તિ પ્રમાણે દાન આપી શકે છે પરંતુ તમે જે રાષ્ટ્રમાં રહો છો અને તે રાષ્ટ્ર ઉપર સંકટની વાત આવે ત્યારે તે મંદિરો અને સંસ્થાઓએ દાનની રકમો રાષ્ટ્ર સેવાર્થે વાપરવી જરૂરી બની જાય છે. જયારે ભારત દેશના ધર્મો સેવાની, માનવતાની અને ભુખ્યાને ભોજનની વાતો કે આદેશ આપતા હોય ત્યારે રાષ્ટ્રને જરૂર પડે ખરા અર્થમાં આ વાતો કે આદેશને સાર્થક બનાવવો તે તેમની નૈતિક ફરજ બને છે. કરોડો રૂપિયા લઈને કથા કરતા કથાકારોએ પણ એ વાત સમજી લેવી જોઈએ કે, માત્ર કથા કરવાથી આજે રાષ્ટ્ર ઉપર આવેલી આફત ટળી નહીં શકે તેના માટે અત્યાર સુધી પ્રજા પાસેથી મેળવેલી રકમોનું દાન જે તે સરકારના મુખ્યમંત્રી રાહતફંડમાં અથવા રાષ્ટ્રહિતમાં વાપરીને પોતાનું યોગદાન આપવું જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

દેશના કરોડપતિ મંદિરો :

1. પદ્મનાભ સ્વામી મંદિર : તીરૂવન્તપુરમ (ત્રિવેન્દ્રમ) શહેર ની વચ્ચે આવેલું પદ્મનાભ સ્વામી મંદિર આજના સમયમાં ભારતના સૌથી અમીર મંદિરોમાં ગણવામાં આવે છે. આ મંદિર ઘણું પ્રાચીન છે જેની સંભાળ ત્રાવણકોરના શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ મૂર્તિ વિરાજમાન છે જેના દર્શન માટે હજારો ભક્તો દૂર દૂર થી અહીંયા આવીને લાખોનો ચઢાવો ચઢાઈને જાય છે. આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડ છે

2. તિરૂપતિ બાલાજીનું મંદિર : આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર સાત પહાડોને જોડી ને બન્યું છે. તિરુમાલા પર્વત માળા વિશ્વની બીજી સૌથી પ્રાચીન પર્વતમાળા છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં સ્વયં ભગવાન વેંકટેશ્વર આવીને નિવાસ કરે છે. જે ભગવાન વિષ્ણુ નો અવતાર માનવા માં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ લગભગ 50000 કરોડથી પણ વધારે છે.

3. શ્રી જગન્નાથ મંદિર, પુરી : ઊડીશા રાજ્યના તટવર્તી શહેર પુરીમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર હિંદુ મંદિર છે, આ મંદિરમાં ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ)ની પૂજા કરવા માં આવે છે. આજના સમયમાં આ મંદિર ભારતના દસ અમીર મંદિરોમાંથી એક છે.

4. સાંઈબાબા મંદિર : અહિયાં ભક્તજનો ની ભીડ આખા વરસ લાગેલી રહે છે. કારણ કે આજે પણ સાંઈબાબાની કૃપા લોકો ઉપર વરસે છે. સાંઈબાબા મંદિરની પાસે લગભગ 35 કરોડના ચાંદીના ઘરેણા, 7 લાખની કિંમત ના ચાંદીના સિક્કા છે. સાથે,દર વર્ષે લગભગ 360 કરોડનું દાન આવે છે.

5. સિદ્ધિવિનાયક મંદિર : સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી અમીર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. કલકત્તા ના એક વેપારીએ આ મંદિર ને 3.7 કિલોગ્રામ સોના નો કોટ દાન આપ્યો હતો. આ મંદિરની આવક પણ કરોડોમાં છે જેથી તેનું સ્થાન કરોડપતિ મંદિરોમાં આવે છે.

6. વૈષ્ણોદેવી મંદિર : ઊંચા પહાડોમાં આવેલું વૈષ્ણોદેવી મંદિર હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિરની સંભાળની જવાબદારી વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની છે. અહીંયા દર વર્ષે લગભગ 500 કરોડ નું દાન આવે છે.

7. સોમનાથ મંદિર : ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદર ઉપર સ્થિત સોમનાથનું મંદિર બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરના વિશે કહેવામાં આવે છે કે તેને અત્યાર સુધી 17 વાર નષ્ટ કરવામાં આવ્યું છે અને દરેક વાર એનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે કરોડોનો ચઢાવો આ મંદિરમાં આવે છે. એટલા માટે આ ભારતના અમીરમંદિરોમાંથી એક છે.