Home Uncategorized ખુશખબર! સીરમની Covovax રસીને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

ખુશખબર! સીરમની Covovax રસીને WHOએ આપી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

Face of Nation 17-12-2021:ઓમિક્રોન ધમકી વચ્ચે WHO એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાની લડાઈમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે Covovax  રસી વધુ અસરકારક અને સલામત છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે સીરમે Novavax કંપની સાથે મળીને કોવોવેક્સ વેક્સીન તૈયાર કરી છે. અત્યાર સુધી જેટલા પણ ટ્રાયલ થયા છે તેમાં આ રસી ઘણી અસરકારક સાબિત થઈ છે. આ કારણોસર WHO એ ઇમરજન્સી ઉપયોગ માટે 9મી રસી મંજૂર કરી છે. WHOનું કહેવું છે કે ઓછી આવક ધરાવતા દેશોને આ રસીઓથી ઘણો ફાયદો થશે અને ત્યાં ટુંક સમયમાં ઝડપી રસીકરણ થશે.

આ સંદર્ભમાં WHO ના ડૉ. મેરિએન્જેલા સિમાઓ જણાવે છે કે નવા વેરિયન્ટની વચ્ચે રસી એકમાત્ર અસરકારક સાધન છે જે લોકોને ગંભીર રોગોથી બચાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે ઓછી આવક ધરાવતા દેશોમાં રસીકરણની સ્થિતિ સુધારવા માટે Covovax  રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમના મતે 41 દેશો એવા છે જ્યાં 10 ટકાથી ઓછું રસીકરણ હજુ પણ ચાલી રહ્યું છે, જ્યારે 98 દેશો એવા પણ સામે આવ્યા છે જ્યાં 40 ટકાનો આંકડો સ્પર્શ્યો નથી.

જો કે થોડા સમય પહેલા નોવાવેક્સ-એસઆઈઆઈની આ રસીને ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં ઈમરજન્સી ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પણ ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી નાખવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કોવોવેક્સ રસી કોરોના સામેની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે.

કોવોવેક્સ રસી વિશે વાત કરીએ તો તેને 2 થી 8 ° સે તાપમાનમાં રાખી શકાય છે. જ્યારે તેના બે ડોઝ આપવામાં આવે ત્યારે આ રસી વધુ અસર કરશે. આમ તો સીરમની આ રસીને ત્યારે લીલી ઝંડી દેખાડવામાં આવી છે, જ્યારે તેના ફેજ 2 અને 3ના ટ્રાયલના પરિણામોનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાતો અને WHO ટીમ દ્વારા ઘણા સંશોધન પછી કોવોવેક્સ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હવે સંપૂર્ણ લાઇસન્સ માટે કંપનીએ WHOને રસી સંબંધિત જરૂરી ડેટા સતત આપવા પડશે.