Face Of Nation 16-06-2022 : કોરોનાના બે વર્ષ બાદ પ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઑફ લાઇન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વખતે ગુજરાતના યોગને વિશ્વ સ્તરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતનાં વિવિધ 75 સ્થળો પર છેલ્લા એક મહિનાથી યોગની વિવિધ મુદ્રાઓનું શૂટિંગ કરીને ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટરી ભારત સરકારની સૂચના બાદ તૈયાર કરવામાં આવી છે.
વિશ્વની 75 ભાષામાં ડોક્યુમેન્ટરી લૉન્ચ થશે
ગુજરાત યોગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી વિશ્વ સ્તરે લઈ જવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી વિશ્વની અલગ-અલગ 75 ભાષામાં ડબ કરવામાં આવશે અને તેનો ડિજિટલ માધ્યમથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. તો બીજીતરફ ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ છેલ્લા એક મહિનાથી સતત પ્રયાસ કર્યા બાદ યોગ માટે ડોક્યુમેન્ટરી બનાવાઈ છે.
કેન્દ્રે ગુજરાતનાં 4 સ્થળની ઉજવણી માટે પસંદ કર્યાં
વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારે યોગ દિવસ ઉજવણી માટે ભારતના વિવિધ 75 સ્થળોની પસંદગી કરી છે, જેમાંથી ગુજરાત 4 સ્થળો જેવાં કે ધોળાવીરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, મોઢેરા અને સાબરમતી રિવરફ્રન્ટની પસંદગી કરવામાં આવી છે. આ જગ્યાએ ચાર કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે તેવી માહિતી યોગ બોર્ડના મીડિયા ઈન્ચાર્જ કૃતાર્થ વૈષ્ણવે આપી હતી.
2.40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ
ગુજરાતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે કુલ રૂ. 2.40 કરોડની ગ્રાન્ટ ગુજરાત યોગ બોર્ડ દ્વારા ફાળવાઈ છે, જેમાં રૂ. 75 લાખના ખર્ચે રાજ્ય સ્તરનો વિશ્વ યોગ દિવસ ઊજવાશે, જ્યારે બાકીના 33 જિલ્લામાં પ્રત્યેક જિલ્લાદીઠ રૂ. 5 લાખની ફાળવણી કરવામાં આવી છે. તો બીજીતરફ ભારત દેશમાં યોગ બોર્ડ ચાલી રહ્યું હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. દેશમાં સૌ પ્રથમ છત્તીસગઢ સરકારે યોગ બોર્ડ શરૂ કરવાની પહેલ કરી હતી. જે બાદ હરિયાણા સરકારે યોગ બોર્ડની શરૂઆત કરી હતી. જોકે હવે મધ્ય પ્રદેશ સરકાર શરૂ કરવા આયોજન કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).