Home News શાક ખાધા વિના રોટલી અને દાળ ઉપર જીવાશે પરંતુ કોરોના ઘરમાં ઘુસી...

શાક ખાધા વિના રોટલી અને દાળ ઉપર જીવાશે પરંતુ કોરોના ઘરમાં ઘુસી જશે તો નહીં જીવી શકાય

ફેસ ઓફ નેશન, 07-05-2020 : કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. પ્રજા આ રોગ મામલે જોઈએ તેટલી ગંભીર જણાતી નથી. લોકો જાણે કે, શાકભાજી ખાધા વિના જીવી જ નહીં શકે તેવો દેખાવડો થઇ રહ્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે સંપૂર્ણ તાળાબંધી જરૂરી હતી. દિવસે દિવસે શાકભાજીવાળા અને કરિયાણાવાળાઓ કોરોના ગ્રસ્ત થઈ રહ્યા છે તેવામાં તેમનાથી કોરોના વધુ ફેલાતો અટકાવવા તંત્રએ તાળાબંધીનો નિર્ણય લીધો ત્યાં લોકો એ જ શાકભાજીવાળા અને કરિયાણાવાળાને ત્યાં જઈને ટોળે વળીને ગાંડાની માફક ખરીદી કરવા ઉમટી પડ્યા. કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દિવસે દિવસે કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જે ગંભીર છે.
શહેરીજનો ભણેલા ગણેલા હોવા છતાં સામાન્ય જ્ઞાનમાં પાવરધા નથી જ. આ વાત કોરોના સામે ચાલી રહેલી લડાઈથી પુરવાર થઇ જાય છે. શહેરીજનો કરતા ગામડાઓમાં લોકો વધુ સજાગ અને સાવધાન છે. ગામડાઓમાં પણ લોકો આ મહામારી વચ્ચે જીવે છે. જ્યાં લોકો શહેરની જેમ ખરીદી કરવા કે દેખાડવા નથી ઉમટી પડતા કે, અમારા ઘરમાં 10 દિવસ ચાલે તેટલું કરિયાણું પણ નથી. જેવી પરિસ્થિતિ છે તેની વચ્ચે જીવન ગાળી રહ્યા છે. હાલ વિશ્વ જયારે આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે સમય પસાર કરી લેવો વધુ હિતાવહ રહે તેમ છે. કોઈ પણ ક્ષેત્રમાં જે જીત મળે છે તેના આખરીમાં કડક નિર્ણયોએ જ મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. છૂટછાટ આપવી કે સમય આપવો તે વ્યાજબી હતું જ નહીં કારણ કે દિવસે દિવસે કોરોનાના કેસો શાકભાજી અને કરિયાણાવાળાના જ નોંધાઈ રહ્યા હતા અને આવા લોકો નાગરિકોના સૌથી વધુ સંપર્કમાં આવતા હતા જેને કારણે તેમને તાત્કાલિક અટકાવવા જરૂરી હતા.
અમદાવાદીઓ 10 દિવસ શાકભાજી વિના માત્ર દાળ અને રોટલી ઉપર જીવી શકશે પરંતુ કોરોના ઘરમાં ઘુસી જશે તો તેની સામે લડત આપવી કઠણ સાબિત થઈ જશે. તેવામાં ના છૂટકે ઘરમાં રહેવું પડશે અને 14 દિવસ ક્વોરેન્ટાઇન પણ થવું પડશે એના કરતા અત્યારે થોડું ભોગવીને પણ સાવચેતી રાખવી વધુ હિતાવહ બની રહે તેમ છે. કોર્પોરેશને તાત્કાલિક કડક નિર્ણયો લીધા છે તેમાં કોઈ બે મત નથી. પરંતુ આ મહામારી સામે લડવા આવા નિર્ણયોની તાતી જરૂરિયાત છે. અધિકારીઓએ ખુબ સમજી વિચારીને જ નિર્ણયો લીધા છે. આખરે કોરોનાને અટકાવવો હશે તો કડકાઈનો સામનો પણ કરવો પડશે.
ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા તંત્ર નીકળ્યું છે તે વાતમાં પણ શંકાને સ્થાન નથી. આ વાત તદ્દન સાચી છે પરંતુ હવે દેર આએ, દુરસ્ત આએની જેમ જે ઘોડા નાસી છૂટ્યા છે તેમને પકડવા તો કડકાઈ જરૂરી જ છે. જેથી તંત્રએ ભલે મોડી મોડી કામગીરી શરૂ કરી પરંતુ તેને હવે અસરકારક બનાવી દેવાની આપણી નૈતિક ફરજ છે. જેનાથી ફરી વાર આવી કડકાઈનો સામનો ન કરવો પડે. જો આ નિર્ણયોથી કોઈ અસરકારક કામગીરી થશે અથવા કોરોનાને ફેલાતો અટકાવવામાં સફળતા મળતી જણાશે તો આ નિર્ણયો જ આપણને સારા લાગશે. જેથી હાલ ગમે તેવી સ્થિતિમાં પણ સમય પસાર કરીને આવતીકાલને સુરક્ષિત બનાવવી વધુ હિતાવહ છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video

સોશિયલ ડીસ્ટન્સની ઐસી કી તૈસી, કાલથી બધુ બંધ છે શાક લઇ લેવા દો : ઠેર ઠેર લોકોની ભીડ